મનોરંજન

રોહિત શેટ્ટી બાદ હવે રણવીર સિંહ ટાર્ગેટ પર! વોઈસ નોટ મોકલી માગી કરોડોની ખંડણી…

મુંબઈ: ગ્લેમર વર્લ્ડમાં ફરી એકવાર ગુંડાતત્વોનો ફફડાટ જોવા મળી રહ્યો છે. જાણીતા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના નિવાસસ્થાન બહાર થયેલા ગોળીબારની ઘટના હજુ શાંત પડી નથી, ત્યાં બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહને નિશાન બનાવવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસને પગલે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં આવી ગઈ છે. બોલિવૂડ હસ્તીઓને સતત મળી રહેલી ધમકીઓએ સેલેબ્રિટીઝની સુરક્ષા અને શહેરની કાયદો-વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

અભિનેતા રણવીર સિંહને મંગળવારે વ્હોટ્સએપ પર એક ખતરનાક વોઈસ નોટ અને મેસેજ મળ્યો હતો, જેમાં અજાણ્યા શખસે તેની પાસે કરોડો રૂપિયાની માંગણી કરી છે. આ ધમકી મળતા જ મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, રણવીર સિંહ કે તેની ટીમ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધાવવામાં આવી નથી, પરંતુ ગંભીરતાને જોતા પોલીસ મેસેજ મોકલનારનું લોકેશન ટ્રેસ કરી રહી છે. સાવચેતીના ભાગરૂપે રણવીરના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

આ અગાઉ 31 જાન્યુઆરીની રાત્રે ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘર પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં પુણેથી પાંચ શકમંદોની ધરપકડ કરી છે, જેમાં અમન મારોટે અને આદિત્ય ગાયકી જેવા નામ સામેલ છે. પોલીસ તપાસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોનકરનું નામ વોન્ટેડ આરોપી તરીકે સામે આવ્યું છે. હુમલાખોરોએ 7.62 મીમીની ગોળીઓ છોડી હતી, જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. પોલીસ આ ટોળકીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

એક તરફ રણવીર સિંહ આ ધમકીઓને કારણે ચર્ચામાં છે, તો બીજી તરફ તેની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ સ્પાય થ્રિલર ફિલ્મે વિશ્વભરમાં 1300 કરોડથી વધુની કમાણી કરી છે. હવે દર્શકો તેની આગામી ફિલ્મ ‘ધુરંધર: ધ રિવિંજ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે 19 માર્ચના રોજ પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રણવીર સાથે આર. માધવન અને અર્જુન રામપાલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button