માલદીવ્સ અને લક્ષદ્વીપના વિવાદમાં મોટાભાગના બોલીવુડ સેલેબ્રિટીઝે ભારતીય ટુરિઝમને પ્રમોટ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી, આ ઘટનાક્રમમાં જાણીતા અભિનેતા રણવીર સિંહે પણ ઝુકાવ્યું હતું. જો કે તેણે ભારતીય દરિયાકિનારાને એક્સપ્લોર કરવા લોકોને અનુરોધ તો કર્યો, પરંતુ તસવીરો માલદીવ્સની જ શેર કરી દીધી! બસ, પછી તો ટ્રોલર્સ ગેંગને મોકળું મેદાન મળી ગયું અને રણવીર સિંહ પર તૂટી પડ્યા..
જ્યારથી પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો વાયરલ થઇ છે, ત્યારથી માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે સરખામણી શરૂ થઇ, એમાં માલદીવ્સના ઉપમંત્રીઓએ ભારતની હોટલો તથા બીચની સ્વચ્છતા અને પીએમ મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરતા લોકો ભડક્યા, અને સોશિયલ મીડિયા પર માલદીવ્સ અને લક્ષદ્વીપ વચ્ચે જંગ છેડાઇ ગયો.
X યુઝર્સ, ઇન્ફ્લુએન્સર્સ સહિત બોલીવુડ સેલેબ્સ જેવા કે સલમાન ખાન, અક્ષયકુમાર જ્યાં એક તરફ લક્ષદ્વીપને સપોર્ટ કરતી પોસ્ટ મુકી રહ્યા હતા, તેવામાં રણવીર સિંહે પણ પોસ્ટ મુકી, સરસ મજાનું કેપશન પણ આપ્યું, અને તસવીર માલદીવ્સની મુકી દીધી. ચકોર X યુઝર્સએ તરત તેને પકડી પાડ્યો અને બાપડા રણવીરને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા રણવીરે લખ્યું, “ચાલો વર્ષ 2024માં ભારતને એક્સપ્લોર કરીએ અને અહીંની સંસ્કૃતિનો અનુભવ કરીએ. અહીં ફરવા માટે સુંદર દરિયાકિનારા છે..”
રણવીરની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘તમે માલદીવ્સનો ફોટો પોસ્ટ કરીને ભારતીય ટુરિઝમનો પ્રચાર કરી રહ્યા છો. રણવીર તને શું થયું છે? અન્ય યુઝરે અભિનેતા પર કટાક્ષ કર્યો અને લખ્યું, “અન્ય સેલિબ્રિટીઓને જોઈને ઝડપથી પોસ્ટ કરવી હોય તો આવી ભૂલ થઈ જાય છે. ઈરાદો ખોટો નથી. તેઓ ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપી રહ્યા છે.” તેવું એક યુઝરે જણાવ્યું.