ફરી આવી રહી છે મર્દાનીઃ રાની મુખરજીની ફિલ્મનું પોસ્ટર નવરાત્રીના દિવસે થયું રિલિઝ

હૉમ પ્રોડક્શનની ફિલ્મ મર્દાની 1 અને 2 સફળ થયા બાદ રાની મુખરજી ફરી મર્દાની-3 લઈને આવી રહી છે. પોલીસ અધિકારીના રોલમાં દુશ્મનોનો ખાતમો કરતી ફિલ્મનું પોસ્ટર યશરાજ બેનર્સે નવરાત્રીના પહેલા નોરતે જ રિલિઝ કર્યું છે.
રાનીને ફરી શિવાની શિવાજી રૉયની પાત્રમાં જોવા માટે ફેન્સ આતુર છે ત્યારે અધર્મ સામે લડતી મા દુર્ગા તરીકે રાનીના પોસ્ટરને લોંચ કરવામાં આવ્યું છે.
પોસ્ટરમાં રાનીનો ચહેરો નથી, માત્ર એક મહિલા કાંડામાં નાળાછડી બાંધી હાથમાં રિવોલ્વર લઈને ઊભી બતાવવામાં આવી છે. નવરાત્રીના પર્વનો માહોલ ધ્યાનમાં લઈ તેના ઈન્સ્ટા પોસ્ટર સાથે મહિષાસુર મર્દિનીનો એગિરિ નંદિની મંત્ર પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે વગાડવામાં આવ્યો છે.
અગાઉની બે સિરિઝની જેમ આ સિરિઝમાં પણ રાની એક જટિલ કેસ ઉકેલતી જોવા મળશે.
2014માં મર્દાનીમાં બાળકીઓની તસ્કરીનું ઈન્ટરનેશનલ રેકેટ બ્રેક કરતી પોલીસ અધિકારી તરીકે રાનીને ઘણી પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ 2019માં સિરિયલ રેપિસ્ટ અને કિલરને પકડતી રાનીને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. સાઉથમાં વિજ્યાશાંતિ પોલીસ અધિકારી તરીકે સારો એવો રિસ્પોન્સ મેળવતી હતી, પરંતુ હિન્દી ફિલ્મમાં મહિલા પોલીસ અધિકારી લીડ રોલમાં હોય તેવી ફિલ્મો ઓછી બની છે અને ઓછી સફળ રહી છે. રાનીની મર્દાનીને પ્રમાણમાં સારો રિસ્પોન્સ મળ્યો છે.
ફિલ્મ રાનીના પતિ આદિત્ય ચોપરાએ જ પ્રોડ્યુસ કરી છે અને તેનું ડિરેક્શન અભિરાજ મિનાવાલાએ કર્યું છે. પોસ્ટર સાથે રિલિઝ ડેટ પર જાહેર કરવામાં આવી છે. રાનીને ફરી ફાયટિંગ કરતી અને રોબ જમાવતી જોવા માટે તમારે 27 ફેબ્રુઆરી, 2026 સુધી રાહ જોવી પડશે.
આપણ વાંચો: અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે મતભેદ મુદ્દે હવે પ્રિયદર્શને આપ્યું મોટું નિવેદન