ખૂની ખેલ અને ખતરનાક મિશન: આ તારીખે આવી રહી છે રાની મુખર્જીની ‘મર્દાની 3’, જુઓ પોસ્ટર

મુંબઈ: હિન્દી સિનેમામાં મહિલા પોલીસ અધિકારીના પરાક્રમોને દર્શાવતી સૌથી સફળ ફ્રેન્ચાઈઝી ‘મર્દાની’ હવે તેના ત્રીજા પડાવ પર પહોંચી ગઈ છે. છેલ્લા એક દાયકાથી પ્રેક્ષકોના દિલ જીતનાર આ સિરીઝે બોલિવૂડમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. યશરાજ ફિલ્મ્સ (YRF) દ્વારા આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગની રીલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને સિનેપ્રેમીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
યશરાજ ફિલ્મ્સ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ પોસ્ટર સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે. ‘મર્દાની 3’ આગામી 30 જાન્યુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવા માટે રીલીઝ કરવામાં આવશે. આ વખતે વાર્તા વધુ ગંભીર અને રોમાંચક છે, જેમાં શિવાની શિવાજી રોય (રાની મુખર્જી) દેશની લાપતા બનેલી અનેક યુવતીઓને શોધવા માટે સમય સામેની દોડ લગાવતી જોવા મળશે. અન્યાય સામેની આ લડાઈમાં તે ફરી એકવાર નીડર પોલીસ અધિકારી તરીકે પડદા પર ત્રાટકશે.
અભિનેત્રી રાની મુખર્જીએ અગાઉ સંકેત આપ્યો હતો કે આ વખતે ફિલ્મ પ્રેક્ષકોને હચમચાવી દેશે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર, ફિલ્મમાં ભયાનક અનિષ્ટ અને અસલી સારપ વચ્ચે લોહિયાળ જંગ જોવા મળશે. ફિલ્મ ‘ડાર્ક, ડેડલી અને બ્રુટલ’ હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર ચાહકોમાં ચર્ચાઓ તેજ બની છે. આ વખતે શિવાનીનો સામનો સમાજની કોઈ એવી કાળી સચ્ચાઈ સાથે થશે જે અત્યાર સુધીના ભાગો કરતા વધુ ક્રૂર હશે.
‘મર્દાની’ સિરીઝની પ્રથમ ફિલ્મે માનવ તસ્કરી જેવા ગંભીર વિષયને ઉજાગર કર્યો હતો, જ્યારે બીજા ભાગમાં સીરીયલ રેપિસ્ટની વિકૃત માનસિકતાને પડદા પર લાવવામાં આવી હતી. હવે અભિરાજ મીનાવાલાના ડિરેક્સનમાં બનેલી ‘મર્દાની 3’ પણ સામાજિક મુદ્દા આધારિત વાર્તા કહેવાની આ પરંપરાને આગળ ધપાવશે. આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ ફરી એકવાર સમાજના કાળા પાસાઓને લોકો સમક્ષ રજૂ કરવા તૈયાર છે.



