‘રામાયણ’માં સુગ્રીવનો રોલ પ્લે કરનાર કોણ છે ‘ઓટીટી કિંગ’ એક્ટર?

મુંબઈ: રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, અને હવે નિર્માતાઓ બીજા ભાગની તૈયારીમાં જોરશોરથી લાગી ગયા છે. આ ફિલ્મ 2026ની દિવાળીએ રિલીઝ થવાની છે. નીતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે છે.
જ્યારે અમિતાભ બચ્ચન આ ફિલ્મમમાં જટાયુની સાથે નેરેટરનો રોલ પણ નિભાવી શકે છે. આ સમાચાર વચ્ચે ફિલ્મમાં સુગ્રીવના પાત્ર માટે અભિનેતાની પસંદગીને લઈ ચારેકોર ચર્ચા થઈ રહી છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે ‘રામાયણ’ ફિલ્મમાં સુગ્રીવની ભૂમિકા માટે અભિનેતા અમિત સિયાલની પસંદગી થઈ છે, જે ‘ઓટીટી કિંગ’ તરીકે ઓળખાય છે. આ વર્ષે તેમની બે ફિલ્મો ‘રેડ 2’ અને ‘કેસરી ચેપ્ટર 2’ રિલીઝ થઈ, જેમાં તેમની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી.
હાલમાં જ મીડિયા રિપોર્ટ પ્રમાણે અમિત સિયાલને આ મહત્વનો રોલ સોંપવામાં આવ્યો છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈના એક સ્ટુડિયોમાં ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે.
અમિત સિયાલે ઓટીટી પ્લેટફોર્મ પર પોતાની અલગ ઓળખ બનાવી છે. તેમની વેબ સિરીઝ જેમ કે ‘મહારાણી’ અને ‘હન્ટ’એ દર્શકોના દિલ જીત્યા છે. ઓટીટીએ તેમની કારકિર્દીને નવો રંગ આપ્યો, કારણ કે તે અગાઉ ઇન્ડસ્ટ્રી છોડવાનું વિચારી રહ્યા હતા. દરેક નવા રોલમાં તેઓ પોતાની એક્ટિંગથી દર્શકોને આશ્ચર્યચકિત કરે છે.
‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભગવાન રામના સાથી તરીકે ખૂબ મહત્વનું છે, જેમાં તેઓ બાલી પાસેથી સિંહાસન પાછું મેળવવા રામની મદદ લે છે અને બદલામાં સીતાની શોધ માટે વાનર સેના આપે છે.
આ વર્ષે રિલીઝ થયેલી ‘કેસરી ચેપ્ટર 2’માં અમિત સિયાલે અંગ્રેજોની બાજુએ રહીને અક્ષય કુમારના પાત્ર માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હતી. તેમના પ્લાનથી જ આર. માધવનની ફિલ્મમાં એન્ટ્રી થઈ હતી. આ રોલમાં તેમની એક્ટિંગની ખૂબ વાહવાહી થઈ હતી. હવે ‘રામાયણ’માં સુગ્રીવના પાત્ર દ્વારા તેઓ ફરી એકવાર દર્શકોનું દિલ જીતવા તૈયાર છે.
4000 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોટી પ્રોજેક્ટ્સમાંથી એક છે. નીતેશ તિવારી આ ફિલ્મ દ્વારા રામાયણની કથાને ભવ્ય રીતે રજૂ કરવાની તૈયારીમાં છે.
અમિતાભ બચ્ચનના નેરેટર તરીકેના રોલની ચર્ચા ઉપરાંત, અમિત સિયાલ જેવા પ્રતિભાશાળી અભિનેતાની એન્ટ્રીએ ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધારી દીધી છે. આ ફિલ્મ દર્શકોને એક યાદગાર અનુભવ આપવાની શક્યતા ધરાવે છે.
આ પણ વાંચો…કવર સ્ટોરી: રામાયણ’ની રામાયણ ને પારાયણ