રામ ગોપાલ વર્માએ હિંદુ વિરોધી ટીપ્પણીઓ કરી! આંધ્રપ્રદેશમાં ફરિયાદ દાખલ

કાકીનાડા: બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રામ ગોપાલ વર્મા સતત એક કે બીજા વિવાદમાં ઘેરાયેલા રહે છે. એવામાં તેમણે ફરી એક વાર નિવેદન આપીને નવા વિવાદનો મધપુડો છંછેડ્યો (Ram Gopal Verma Controversy) છે. રામ ગોપાલ વર્મા પર હિન્દુ વિરોધી ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેનાથી હિન્દુ સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આંધ્રપ્રદેશમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આંધ્ર પ્રદેશમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે સોશિયલ મીડિયા પર, ખાસ કરીને ફેસબુક અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર હિન્દુ વિરોધી ટિપ્પણીઓ કરી છે.
શું છે આરોપ?
એક અખબારી અહેવાલ મુજબ રાષ્ટ્રીય પ્રજા કોંગ્રેસના પ્રમુખ અને હાઈકોર્ટના વકીલ મેડા શ્રીનિવાસ દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે થ્રી ટાઉન પોલીસ સ્ટેશનમાં પુરાવા તરીકે રામ ગોપાલની સોશિયલ મીડિયા પોસ્ટના વિડિયો ક્લિપ્સ અને સ્ક્રીનશોટ રજૂ કર્યા. આ સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વર્માની ટિપ્પણીઓ વાંધાજનક હતી અને જાહેર સૌહાર્દને ખલેલ પહોંચાડે એવી છે.
મીડિયા સાથે વાત કરતા ફરિયાદી મેડા શ્રીનિવાસે કહ્યું, “રામ ગોપાલ વર્માની ટિપ્પણીઓથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમના નિવેદન આપણા ધાર્મિક મૂલ્યો અને પરંપરાઓ પ્રત્યે સંપૂર્ણ અવગણના દર્શાવે છે. આ ફક્ત અભિપ્રાય નથી, તેમનું નિવેદન ઉશ્કેરણીજનક છે અને કોઈપણ સભ્ય સમાજમાં અસ્વીકાર્ય છે. કોઈપણ નાગરિક સમાજે નફરત ફેલાવવા અને કોઈપણ ધર્મનું અપમાન કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ ન કરવો જોઈએ. દાખલો બેસાડવા માટે કાયદાકીય કાર્યવાહી જરૂરી છે.”
આપણ વાંચો: કવર સ્ટોરી : 750 ફિલ્મો પછી પહેલો એવોર્ડ! રવિ કિશનની યાત્રા સંઘર્ષપૂર્ણ છે
આ ફરિયાદ અંગે અંધ્રાપ્રદેશ પોલીસેકહ્યું છે કે આપવામાં આવેલા પુરાવાની સમીક્ષા કરવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને તેના પરિણામોના આધારે જરૂરી કાનૂની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.
જોકે, આ મામલે રામ ગોપાલ વર્માએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.