મનોરંજન

તિહાર જેલમાં કેદ પણ બોક્સ ઓફિસ પર કબજો; જાણો રાજપાલની આગામી ફિલ્મો વિશે

મુંબઈ: પોતાની અનોખી અદાકારીથી લાખો લોકોને હસાવનાર બોલીવુડના અભિનેતા રાજપાલ યાદવ હાલ પોતે મોટી મુસીબતમાં ફસાયા છે. વર્ષોથી ફિલ્મી પડદે સક્રિય અને લોકપ્રિય હોવા છતાં, આર્થિક સંકટને કારણે તેમને જેલ જવાનો વારો આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા લોનના વિવાદમાં આખરે કોઈ ઉકેલ ન આવતા રાજપાલ યાદવે દિલ્હીની તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જ બોલીવુડ જગત અને તેમના ચાહકોમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે.

શું છે આખો વિવાદ?
રાજપાલ યાદવની મુશ્કેલીની શરૂઆત વર્ષ 2010 માં થઈ હતી, જ્યારે તેમણે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ ના નિર્દેશન માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી અને રાજપાલ યાદવ આ રકમ પરત ન કરી શક્યા. સમય જતાં વ્યાજ ઉમેરાતા આ રકમ હવે 9 કરોડ રૂપિયા થઈ ગઈ છે. રાજપાલ યાદવે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પાસે અત્યારે આટલી મોટી રકમ ચૂકવવાની ક્ષમતા નથી. 10 ફેબ્રુઆરીએ તેમણે આર્થિક ગેરરીતિ અને લોન ન ચૂકવવાના કેસમાં જેલના શરણ લીધા છે.

ફિલ્મોમાં કરોડોની કમાણી છતાં આર્થિક તંગી
રાજપાલ યાદવ ભલે મોટા સ્ટાર્સ સાથે કામ કરતા હોય, પણ તેમની ફી અન્ય કલાકારોની સરખામણીએ ઘણી ઓછી છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ ‘બેબી જોન’ માટે વરુણ ધવનને 25 કરોડ મળ્યા હતા, જ્યારે રાજપાલને માત્ર 1 કરોડ રૂપિયા મળ્યા હતા. છેલ્લી પાંચ ફિલ્મો જેવી કે ‘ભૂલ ભુલૈયા 3’, ‘ચંદુ ચેમ્પિયન’ અને ‘ડ્રીમ ગર્લ 2’ માંથી તેમણે અંદાજે 7 થી 8 કરોડની કમાણી કરી છે. આમ છતાં, જૂની લોન અને તેના વ્યાજનો આંકડો એટલો વધી ગયો છે કે તેમની આજની કમાણી પણ તે દેવું ભરપાઈ કરવા માટે ઓછી પડી રહી છે.

જેલવાસ છતાં રાજપાલ યાદવ પાસે કામની કમી નથી. વર્ષ 2025-26 માં તેમની ‘ભૂત બંગલા’, ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘વિવેશ’ અને ‘ટેક્સી મેં ભૂત હૈ’ જેવી અનેક ફિલ્મો રિલીઝ થવાની છે. રાજપાલની આ મુશ્કેલ ઘડીમાં બોલીવુડના સોનુ સૂદ અને ગુરમીત ચૌધરી જેવા કલાકારો મદદ માટે આગળ આવ્યા છે. આ ઉપરાંત રાજકીય નેતા તેજ પ્રતાપ યાદવે પણ તેમને આર્થિક સહયોગ આપ્યો છે. ઉદ્યોગના મિત્રો ઇચ્છી રહ્યા છે કે આ પ્રતિભાશાળી કલાકાર જલ્દીથી આ સંકટમાંથી બહાર આવે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button