મનોરંજન

મુશ્કેલીમાં મુકાયેલા રાજપાલની મદદે આખું બોલીવુડ, જામીન પર સુનાવણી લાખો ફેન્સની નજર

મુંબઈ: પોતાની લાજવાબ કોમેડીથી કરોડો લોકોના દિલ જીતનાર અભિનેતા રાજપાલ યાદવ હાલ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. વર્ષ 2010ના ચેક બાઉન્સના જૂના કેસમાં 9 કરોડનું દેવું ન ચૂકવી શકવાને કારણે તેઓ હાલ તિહાર જેલમાં સજા કાપી રહ્યા છે . જોકે, મનોરંજન જગત માટે રાહતના સમાચાર એ છે કે રાજપાલ યાદવની આ કપરી પરિસ્થિતિમાં બોલીવુડના દિગ્ગજ સિતારાઓ એકજુટ થઈને તેમની મદદે આવ્યા છે. તમામ કલાકારોના સહયોગને જોતા આશા સેવાઈ રહી છે કે તેઓ ટૂંક સમયમાં જેલની બહાર આવશે.

આજે 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રાજપાલ યાદવની જામીન અરજી પર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. જેલમાં સરેન્ડર કરતા સમયે રાજપાલ યાદવ અત્યંત ભાવુક થઈ ગયા હતા અને લાચારી વ્યક્ત કરી હતી. પરંતુ હવે ઈન્ડસ્ટ્રીના સાથને કારણે તેમના પરિવાર અને ચાહકોને આશા છે કે તેમને આજે જામીન મળી જશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગઠન FWICE એ પણ તમામ કલાકારોને અપીલ કરી હતી કે આ મદદને દાન નહીં પણ એક શ્રેષ્ઠ કલાકાર પ્રત્યેનું સન્માન ગણવામાં આવે.

રાજપાલ યાદવને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા માટે સલમાન ખાન, અજય દેવગણ, નવાઝુદ્દીન સિદ્દીકી અને સોનુ સૂદ જેવા સ્ટાર્સે હાથ લંબાવ્યો છે. મ્યુઝિક પ્રોડ્યુસર રાવ ઈન્દ્રજીત સિંહે 1.11 કરોડ રૂપિયા જ્યારે તેજ પ્રતાપ યાદવ અને મીકા સિંહે 11-11 લાખની સહાય કરી છે. સિંગર ગુરુ રંધાવાએ પોતાના આગામી પ્રોજેક્ટનું એડવાન્સ પેમેન્ટ રાજપાલને આપી દીધું છે, તો ભોજપુરી સ્ટાર નિરહુઆએ પણ સાઈનિંગ અમાઉન્ટ એડવાન્સમાં અપાવવાની ખાતરી આપી છે. પતિને મળેલા આ અભૂતપૂર્વ સમર્થન બદલ પત્ની રાધાએ સમગ્ર ઈન્ડસ્ટ્રીનો આભાર માન્યો છે.

શું છે આખો વિવાદ?
આ સમગ્ર મામલો વર્ષ 2010નો છે, જ્યારે રાજપાલ યાદવે પોતાની ડાયરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. કમનસીબે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી અને વ્યાજ સાથે આ રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ દરમિયાન અપાયેલા અનેક ચેક બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. અગાઉ પણ તેઓ બે વાર જેલ જઈ ચૂક્યા છે, પરંતુ આ વખતે દેવું ચૂકવવા માટે વધુ સમય ન મળતા તેમણે જેલમાં જવું પડ્યું હતું.

આપણ વાંચો:  આતંક ઊભો કરવાને ઇરાદે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કરાયો: પોલીસ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button