સૈયારાના આ અભિનેતાએ અભિનય છોડી કરી હતી ખેતી, માથે થઈ ગયું કરોડોનું દેવું પણ…

મુંબઈ: કોઈ ખેડૂત અભિનેતા બન્યો હોય તે સાંભળ્યું હશે, પણ અભિનય કરી સફળ થયેલો કોઈ યુવાન ખેડૂત બની જાય તેવું સાંભળ્યું છે, નહીં ને. પણ આવો એ અભિનેતા છે જેણે ફિલ્મો અને સિરિયલોમાં સારું કામ કર્યું છે, પણ અભિનય છોડી તેણે ખેતી કરવાનું પસંદ કર્યું અને કરી પણ. જોકે કોરોના સમયે તે મુસીબતોથી ઘેરાયો અને કરજમાં પણ ડૂબ્યો. હવે ફરી પાછો તે અભિનયની દુનિયામાં ચમકી રહ્યો છે અને તાજેતરમાં જ રિલિઝ થયેલી તેની ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મનું નામ છે સૈયારા. નહીં ભઈ ફિલ્મનો હીરો અહાન પાંડે ખેડૂત નથી બની ગયો પણ ફિલ્મમાં અહાનના સસરા અને અનીત પડ્ડા એટલે કે વાની બત્રાના પિતાનો રોલ કરનાર રાજેશ કુમારની વાત અમે કરી રહ્યા છીએ. તો આવો જાણીએ તેના સંઘર્ષની સફર.
‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં રોસેશના પાત્રથી લોકપ્રિય બનનાર ટીવી અભિનેતા રાજેશ કુમારે થોડા સમય પહેલા મોહિત સૂરીની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સૈયારા’થી ધમાકેદાર કમબેક કર્યું હતું. આ કમ બેક રાજેશ કુમાર ફરી એક ચાહકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજેશની શાંત અને ભાવનાત્મક એક્ટિંગના દર્શકો અને ક્રિટીક્સે ખુબ વખાણ કર્યા હતા. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર જબરદસ્ત સફળતા મેળવી, પરંતુ રાજેશ માટે આ તેના અંગત સંઘર્ષને પાર કરવાનો એક રસ્તો બની ગયો હતો. એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની આર્થિક સ્થિતી વિશે ખુલીને વાત કરતા જણાવ્યું કે, એક સમયે તેઓ 2 કરોડ રૂપિયાના કરજમાં ડૂબેલા હતા અને તેમના બેંક ખાતામાં માત્ર 2,500 રૂપિયા બચ્યા હતા.

રાજેશે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે 2019માં તેણે અભિનય છોડીને ખેતી શરૂ કરી હતી, પરંતુ કોરોના મહામારીના કારણે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેની બચત ખૂટી ગઈ અને તેઓ બેન્ક કરપ્ટની સ્થિતિમાં પહોંચી ગયો હતો. તેણે કહ્યું, “લૉકડાઉન સુધીમાં મારી તમામ જમા-પૂંજી ખતમ થઈ ગઈ હતી. મારા પર ભારે કરજ હતું અને હું ખરેખર નાદાર થઈ ગયો હતો.” આ દરમિયાન તેમણે ‘બિન્ની ઍન્ડ ફેમિલી’ ફિલ્મમાં કામ કર્યું, પરંતુ આર્થિક તંગી એટલી હતી કે તેઓ પોતાના બાળકો માટે નાની ગીફ્ટ પણ ન ખરીદી શક્યા.

રાજેશે ખેતીને પર પોતાનો અનુભવ શેર કર્યા. તેણે કહ્યું કે તેઓ એવી માન્યતા તોડવા માગે છે કે ખેતી ફક્ત તે જ લોકો કરે છે જેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. તેણે ઉમેર્યું, આજકાલ કોઈ મોટું થઈને ખેડૂત બનવાનું સપનું નથી જોતું. હું આ સમાજના વિચારને બદલવા માગું છું. વધુમાં તેણે જણાવ્યું કે જ્યારે તેઓ કંઈ કમાઈ નહોતા શકતા, ત્યારે તેમના પરિવારે તેને સાથ આપ્યો હતો.
‘સૈયારા’ની સફળતાએ રાજેશ કુમારને ફરી ચર્ચામાં લાવ્યા છે. તેના શાંત અને ભાવનાત્મક અભિનયે દર્શકોના દિલ જીત્યા છે. ખાસ કરીને, એક એવા સમયમાં જ્યારે તે આર્થિક અને વ્યક્તિગત મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો. આ ફિલ્મે તેને નવી ઓળખ અને આશા આપી છે. રાજેશના કમ બેક સ્ટોરી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે, જે દર્શાવે છે કે મુશ્કેલીઓ પછી પણ સફળતા હાંસલ કરી શકાય છે.
આ પણ વાંચો…તમને ખબર છે?: રિયલ લાઈફમાં પણ ઈન્ફ્લુઅન્સર છે ‘સૈયારા’માં દેખાયેલી આ સુંદર છોકરી…