Happy Birthday: બોલીવૂડના પહેલા સુપરસ્ટારે જ્યારે એકસાથે પાંચ લાખ રોકડા જોયા ત્યારે…

આજના સમયમાં પણ એક એવો મોટો વર્ગ છે જેમની માટે એકસાથે પાંચ લાખ રૂપિયા એક સપનું અથવા આશ્ચર્ય અને અતિ આનંદ આપે તેવી વાત છે. તો 70 ના દાયકામાં તો આ મોટી વાત હોય જ ને…આજે એક એવા જ અભિનેતાનો 82 મો જન્મદિવસ છે, જેમને પાંચ લાખ રોકડા પૈસા ઓફર કરવામાં આવ્યા હતા અને નોટોના બંડલવાળી સૂટકેસ લઈ તે અમુક દિવસો સુધી ફર્યા હતા ને તેને જોવા લોકો આવતા પણ હતા. બોલીવૂડમાં સુપરસ્ટાર શબ્દ જ જેમની માટે પહેલીવાર વપરાયો તે રાજેશ ખન્નાનો આજે જન્મદિવસ છે.
આ પણ વાંચો : Ambani Familyની આ ફિમેલ મેમ્બર હતી Rajesh Khannaના દર્દોની દવા

(Rajesh Khanna birthday today)તેઓ હવે આપણી વચ્ચે રહ્યા નથી, પરંતુ તેમની અદાકારી અને તેમના પર ફિલ્માયેલા ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે અને તેમની જગ્યા કોઈ લઈ શક્યું નથી.
આજે તેમના જન્મદિવસ પર તમને રાજેશ ખન્ના સાથે જોડાયેલો એક કિસ્સો જણાવશું. આ વાત 1970ની છે અને રાજેશ ખન્નાની એક હીટ ફિલ્મ સાથે જોડાયેલો છે. સાઉથના ડિરેક્ટરે રાજેશ ખન્નાને એક ફિલ્મ ઓફર કરી અને તે માટે તેમણે નવ લાખની ફી પણ ઓફર કરી. તે સમયે આ રકમ ઘણી મોટી હોવાથી રાજેશ ખન્નાએ સ્ક્રીપ્ટ વાંચ્યા વિના ફિલ્મ સાઈન કરી દીધી. આ માટે તેમને એક સૂટકેસમાં ભરીને પાંચ લાખ રૂપિયા મળ્યા. રાજેશ ખન્નાની તો આંખો ફાટી ગઈ.
યાસિર ઈસ્લામની બુકઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઈન્ડિયાઝ ફર્સ્ટ સુપરસ્ટાર અનુસાર આ સૂટકેસ લઈને તેઓ ઘણીવાર સેટ પર પણ આવ્યા હતા અને ઘણાને દેખાડતા હતા. લોકો પણ જોઈને છક્ક થઈ જતા હતા.
આ પણ વાંચો : Rajesh Khannaના નિધન પહેલા શત્રુઘ્ન સિંહાને માંગવી હતી તેમની માફી, હજુ પણ છે દોસ્ત ગુમાવ્યાનું દુ:ખ
જોકે આ આનંદ થોડો સમય રહ્યો. ખન્નાએ જ્યારે સ્ક્રીપ્ટ વાંચી ત્યારે તેઓ દુઃખી થઈ ગયા. તેમને ફિલ્મની સ્ક્રીપ્ટ જરાપણ ન ગમી, પણ કરવું શું પૈસા પણ જોઈએ છે અને સ્ક્રીપ્ટ પણ નથી ગમતી. તેમણે સલીમ જાવેદને વિનંતી કરી કે આ સ્ક્રીપ્ટમાં તેઓ સુધારા કરી આપે. સલીમ જાવેદ તે સમયે નવા હતા અને સિપ્પી સાથે પગારદાર તરીકે લખવાનું કામ કરતા હતા. બન્ને રાજેશ ખન્નાને મદદ કરી અને પછી હાથી મેરે સાથીની સ્ક્રીપ્ટ તૈયાર થઈ.
રાજેશ ખન્નાની હીટ ફિલ્મોમાં આ ફિલ્મ પણ છે. જોકે આ અનુભવ બાદ સુપરસ્ટારે નક્કી કરી લીધું કે તેઓ સૌથી પહેલા સ્ક્રીપ્ટ જોશે અને પછી જ ફિલ્મ સાઈન કરશે. આ સાથે તેમણે અમુક જ નિર્માતાઓ સાથે કામ કરવાનું પણ મન બનાવી લીધું.

રાજેશ ખન્ના પોતાના સમયના સૌથી હેન્ડ્સમ સ્ટાર કહેવાતા હતા અને તેમનું ફીમેલ ફેન ફોલોઈંગ એવું હતું કે તેમની વ્હાઈટ કાર પર મહિલાઓ લિપસ્ટિક કરીને જતી હતી. અંજુ મહેન્દ્રુ સાથેના તેમના સંબંધો ઘણા ચર્ચામાં રહ્યા અને ત્યારબાદ તેમણે ડિમ્પલ કપાડીયા સાથે લગ્ન કર્યા. જોકે આ સંબંધો પણ કડવા થયા અને લાંબા સમય માટે તેઓ અલગ રહ્યા હતા. રાજેશ ખન્ના લાંબા સમય માટે બીમાર પણ રહ્યા અને 18 જુલાઈ 2012ના રોજ તેમનું અવસાન થયું.
આ પણ વાંચો : હું Amitabh Bachchanની જેમ મારા માન-સન્માન સાથે બાંધછોડ નહીં કરું… જાણો કોણે કહ્યું આવ્યું?
એક સાથે 17 સુપરહીટ ફિલ્મો આપનારા રાજેશ ખન્નાને તેમની ફિલ્મો, સંવાદો અને ગીતો માટે હંમેશાં યાદ રાખવામાં આવશે.