રાજ બબ્બરે અચાનક સ્મિતા પાટીલને કેમ યાદ કર્યા, શું લખ્યું સોશિયલ મીડિયા પર?

મુંબઈ: પોતાના ફિલ્મી કરિયરમાં યુનિક ફિલ્મો કરનાર અભિનેત્રી સ્મિતા પાટીલનો આજે એટલે કે 17 ઓક્ટોબર 2025ના રોજ 70મો જન્મદિવસ છે. આજના દિવસે આ દિવંગત અભિનેત્રીને તેના ચાહકો યાદ કરી રહ્યા છે. અભિનેતામાંથી નેતા બનેલા રાજ બબ્બર પણ આજના દિવસે પોતાની પત્નીને યાદ કરીને ભાવુક થયા છે. રાજ બબ્બરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને સ્મિતા પાટીલને શ્રદ્ધાંજલિ આપી છે.
તેની નાની ઉંમર હંમેશાં દુ:ખ પહોંચાડશે
રાજ બબ્બર અને સ્મિતા પાટીલ 1982માં આવેલી ફિલ્મ ‘ભીગી પલકે’ના શુટિંગ દરમિયાન મળ્યા હતા. જ્યાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ પ્રેમને લઈને તેઓને સામાજિક આલોચનાનો પણ સામનો કરવો પડ્યો હતો. કારણ કે રાજ બબ્બરના લગ્ન નાદીરા સાથે થઈ ગયા હતા. જેથી રાજ બબ્બરે નાદીરાને છૂટાછેડા આપીને સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા હતા.

રાજ બબ્બરે ઇન્સ્ટાગ્રામ પર સ્મિતા પાટીલનો ફોટો શેર કરીને લખ્યું કે સ્મિતાએ પોતાની ફિલ્મી સફરને પરિવર્તન લાવવાની રીતે ઉપયોગ કર્યો. તેના અભિનયે જૂની વિચારધારા પર પ્રશ્નો ઉઠાવ્યા અને પ્રથાઓને તોડી. જટિલ પાત્રોમાં તેની સરળતા અને સમાજના કિરદારોની ગાઢ સમજે તેને ખાસ બનાવી. ઓછા સમયમાં તેણે ઘણુ બધું મેળવ્યું. તેના જીવનની નાની ઉંમર હંમેશા દુ:ખ પહોંચાડતી રહેશે. જન્મદિવસ પર હું તેને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું.”
‘હેપ્પી બર્થ ડે મા’: પ્રતિક સ્મિતા પાટીલ
28 નવેમ્બર 1986ના રોજ રાજ બબ્બર અને સ્મિતા પાટીલના ઘરે પારણું બંધાયું હતું. સ્મિતા પાટીલે પ્રતિક બબ્બરને જન્મ આપ્યો હતો. પરંતુ પ્રતિકના જન્મના 15 દિવસ બાદ એટલે કે 13 ડિસેમ્બર 1986ના રોજ સ્મિતા પાટીલનું અવસાન થયું હતું. જેથી પ્રતિક બબ્બરના જીવનમાં માની મમતાની ખોટ પડી હતી. જોકે, મૃત્યુ બાદ સ્મિતા પાટીલની 10થી વધુ ફિલ્મો રિલીઝ થઈ હતી. આજના દિવસે પ્રતિક બબ્બરે પણ માતાની શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રતિક બબ્બરે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે ફોટો શેર કર્યા છે. જે પૈકી એક ફોટોમાં ‘હેપ્પી બર્થ ડે મા’ લખેલી કેક જોવા મળે છે. જ્યારે બીજા ફોટોમાં પ્રતિક બબ્બર સ્મિતા પાટીલના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પાસે કેક લઈને ઉભેલો જોવા મળે છે. ફોટોના કેપ્શનમાં ‘હેપ્પી બર્થ ડે મા’ લખેલું છે.
તાજેતરમાં પ્રતિક બબ્બરે સોશિયલ મીડિયા પર પોતાનું નામ બદલ્યું હતું. પ્રતિક બબ્બરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના નામમાંથી ‘બબ્બર’ અટક હટાવીને ‘પ્રતિક સ્મિતા પાટીલ’ નામ કરી નાખ્યું છે.
આ પણ વાંચો : ફાળો ઉઘરાવી બનેલી સ્મિતા પાટીલની આ ફિલ્મ હવે જશે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં