raid-2 reviewઃ વાર્તા એ જ અને કહેવાની સ્ટાઈલ પણ એ જ, છતાં ગમે તેવી ફિલ્મ

નાગિન કે નગીના કે સાપના જીવન પર બનતી ફિલ્મ હોય તો સ્વાભાવિક છે કે હીરોઈન નાગણ જ લાગવાની અને હીરો નાગ. વાર્તા અલગ હોઈ શકે અથવા અલગ રીતે કહેવામાં આવી હોઈ શકે. આવું જ કંઈક રેડ-2 સાથે થયું છે. વાર્તા એ જ છે ઈન્કમટેક્સ વિભાગનો છાપો.
હા તેને કોઈ રાજકારણીને બદલે ઉદ્યોગપતિના ઘરે બતાવ્યો હતો તો સારું પડેત. પણ છાપો મારનાર અને જેમના ઘરે મરાયો છે તે બન્ને એવા તગડા અભિનેતા છે કે ફિલ્મ જોવાની મજા આવે. તો ચાલો અમય પટનાયક (અજય દેવગન) અને દાદા ભાઈ (રીતેશ દેશમુખ)ની આ ફિલ્મનો રિવ્યુ જાણીએ
આપણ વાંચો: અક્ષય કુમારની કેસરી ચેપ્ટર-2નું નવ દિવસમાં આટલું કલેક્શન થયું
શું છે વાર્તાઃ
વાર્તા એ જ છે. સિંઘમમાં ઈમાનદાર પોલીસ અધિકારી બનેલો અજય ઈમાનદાર ઈન્ક્મટેક્સ અધિકારી અમય બન્યો છે અને ભોજ ગામમાં પોતાની સલ્તનત જમાવીને બેઠેલા દાદા ભાઈના ઘરે રેડ પાડે છે. બસ આ જ ફિલ્મની સ્ટોરી છે. ફિલ્મના પહેલા ભાગમાં ભારે ટ્વીસ્ટ છે અને તમને મજા પડી જાય છે, પણ બીજો ભાગ નબળો છે. જે પ્રમાણેના કોન્ફ્લિક્ટની અપેક્ષા છે તે નથી. વાર્તા એકસરખી ચાલી જાય છે અને અપેક્ષિત એન્ડ સાથે પૂરી થાય છે.
કેવું છે ડિરેક્શન અને કેવી છે એક્ટિંગ
રેડનું ડિરેક્શન પણ રાજકુમાર ગુપ્તાએ કર્યું હતું અને રેડ ટુ પણ તેમના જ ડિરેક્શનમાં બની છે, આથી કન્સીસ્ટન્સી છે પણ નવીનતા નથી. એ જ ભગવાન બની ગયેલો અમય, રાક્ષસ જેવો દાદા ભાઈ, બંગલો, છુપાયેલા નાણા, ડ્રામા. એક વાર્તાને પણ બે અલગ અલગ રીતે કહી શકાતી હોય તો આ તો નવી વાર્તા છે તેને નવી બોટલમાં આપવાની હતી, પણ તેમ નથી થયું.
આપણ વાંચો: કિસમેં કિતના હૈ દમ!
ફિલ્મ ક્યાંય બોરિંગ નથી થતી પણ કંઈ નવું નથી. રેડ જોઈ હોય તો પાછી જોતા હોય તેમ લાગે. બસ સેટ નવો છે અને વિલન નવો છે.
એક્ટિંગની વાત કરીએ તો અજય અને રિતેષે ફિલ્મને પોતાના ખભ્ભા પર ઉપાડી છે. બન્ને જ્યારે એકબીજાની સામે આવે ત્યારે દર્શકો માટે ટ્રીટ જેવું છે. વિલનના રોલમાં રીતેશ ચમકી રહ્યો છે.
જોકે અમુક સમયે તમને સૌરભ શુક્લા યાદ આવે. મૃણાલ ઠાકુર (રેડ-1)ની જેમ વાણી કપૂર પાસે ખાસ કંઈ કરવાનું નથી. અન્ય કલાકારોએ સારો અભિનય કર્યો છે.
જો તમને રેડ ગમી હોય તો રેડ-2 પણ ગમશે. એકવાર જોઈ શકાય તેવી ફિલ્મ છે.
મુંબઈ સમાચાર રેટિગ્સઃ 3