એક હજાર કરોડનો દલ્લો એકઠો કરી લીધો છતાં પુષ્પા-2 આ ફિલ્મોથી પાછળ
માત્ર ભારત નહીં ગલોબલી ધૂમમચાવનારી સુકુમારની ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ કેટલાયે રેકોર્ડસ બ્રેક કરતી જાય છે. સાત દિવસમાં રૂ. 1000 કરોડની કમાણી કરી લીધી છે અને શાહરૂખ ખાનની પઠાણ અને જવાન સહિતની ઘણી સુપરહીટ ફિલ્મોની લાઈફટાઈમ કમાણી કરતા પણ વધારે કમાણી કરી નાખી છે અને હજુ થિયેટરોમાં લાંબી લાઈનો લાગી છે. જોકે આટલી ધોમ કમાણી કરી હોવા છતાં પુષ્પા-2 અમુક ફિલ્મોથી પાછળ છે.
હજુ આ પાંચ ફિલ્મોથી પુષ્પા-2 છે પાછળ
સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવા માટે અલ્લુ અર્જનની ફિલ્મે એક-બે નહીં પાંચ ફિલ્મોને પાછળ છોડવી પડશે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બનવા માટે, પુષ્પા 2 એ આમિર ખાનની દંગલ (2070.30 કરોડ), બાહુબલી 2: ધ કન્ક્લુઝન (1,788.06 કરોડ), RRR (1,230 કરોડ), KGF ચેપ્ટર 2 (1,215 કરોડ) અને જવાનને (1,160 કરોડ) પછાડવી પડશે.
ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર કલેક્શનની દ્રષ્ટિએ હાલમાં પુષ્પા 2, બાહુબલી 2, KGF ચેપ્ટર 2 અને RRR પછી ચોથા સ્થાને છે. આ ફિલ્મે પ્રભાસની કલ્કી 2898 એડી અને શાહરૂખ ખાનની જવાનને પાછળ છોડી દીધી છે.
ઝડપી કમાણી કરી છે પુષ્પાએ
‘પુષ્પા 2: ધ રૂલ’ને રિલીઝ થયાને એક અઠવાડિયું થઈ ગયું છે. ગયા ગુરુવારે પુષ્પા-2 રિલિઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝના 7મા દિવસે ઈતિહાસ રચી દીધો છે. પુષ્પા 2 એ 7મા દિવસે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો છે. રિપોર્ટ અનુસાર ફિલ્મે ભારતમાં 7 દિવસમાં 687 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
પેન ઈન્ડિયા ફિલ્મ પુષ્પાએ સાઉથની સાથે સાથે હિન્દી બેલ્ટમાં પણ તરખાટ મચાવ્યો છે.
Also Read – પુષ્પા-2ના વાઇલ્ડ ફાયરે બૉક્સ ઑફિસ પર લગાવી દીધી આગ, છ દિવસમાં 1000 કરોડની કલબમાં સામેલ
માત્ર હિન્દી વર્ઝનની વાત કરીએ તો પુષ્પા 2: ધ રૂલે પહેલા દિવસે રૂ. 70.3 કરોડ, બીજા દિવસે રૂ. 56.9 કરોડ, ત્રીજા દિવસે રૂ. 73.5 કરોડ, ચોથા દિવસે રૂ. 85 કરોડ, રૂ. પાંચમા દિવસે 46.4 કરોડ અને છઠ્ઠા દિવસે 36 કરોડ રૂપિયા અને હવે સાતમા દિવસે પણ ફિલ્મે 30 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કરી લીધું છે. પુષ્પા 2: ધ રૂલે માત્ર હિન્દી ભાષામાંથી 7 દિવસમાં 398.1 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
પુષ્પાની રિલિઝને લીધે ઘણી ફિલ્મોની રિલિઝ પણ પાછી ઠેલાઈ છે. આથી હજુ તે થિયેટરોમાં એકહથ્થુ શાસન કરશે. તેથી પુષ્પા-2ની લાઈફટાઈમ કમાણીનો આંકડો કેટલો હશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.