મનોરંજન

ટાઈગર શ્રોફની હત્યાની ‘સુપારી’:સિક્યોરિટી ગાર્ડ પંજાબમાં પકડાયો…

નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતાં માલિકને પોલીસ કેસમાં સપડાવવા આરોપીએ ઘડ્યું કાવતરું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બોલીવૂડના અભિનેતા ટાઈગર શ્રોફને પતાવી નાખવા બે લાખ રૂપિયાની ‘સુપારી’ અને શસ્ત્ર પૂરાં પાડવામાં આવ્યા હોવાનો દાવો કરનારા સિક્યોરિટી ગાર્ડને પંજાબમાં પકડી પાડવામાં આવ્યો હતો. સતત ગેરહાજરીને કારણે નોકરીમાંથી કાઢી મુકાયેલા આરોપીએ માલિકને પોલીસ કેસમાં સપડાવવા માટે કાવતરું ઘડીને પોલીસ કંટ્રોલ રૂમમાં કૉલ કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.

ખાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસને કૉલ કરનારા શખસની ઓળખ મનીષકુમાર સુજિન્દર સિંહ (35) તરીકે થઈ હતી. સિંહ અગાઉ ખારની એક હોટેલમાં કામ કરતો હતો. પંજાબમાં પકાયેલા સિંહને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ સોમવારની સવારે 10 વાગ્યે આરોપીએ પોલીસના મેઈન કંટ્રોલ રૂમમાં કૉલ કર્યો હતો. આરોપીએ દાવો કર્યો હતો કે એક સિક્યોરિટી કંપનીના બ્રાન્ચ હેડ અને એરિયા ઑફિસરે ટાઈગરની હત્યાની સુપારી આપી છે. આ માટે બે લાખ રૂપિયા અને શસ્ત્ર પણ આપવામાં આવ્યાં છે.

આ કૉલને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. જે નંબર પરથી પોલીસને ફોન આવ્યો હતો તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. આરોપી પંજાબમાં હોવાનું તપાસમાં જણાયું હતું. પ્રાથમિક તપાસમાં કૉલ કરનારા શખસે ખોટી માહિતી આપી હોવાનું જણાતાં પંજાબ પોલીસને જાણ કરાઈ હતી. પંજાબ પોલીસે કપૂરથાલાથી શકમંદને તાબામાં લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર સિંહ સતત નોકરી પર ગેરહાજર રહેતો હતો. કંટાળીને કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. કંપનીને ઇરાદાપૂર્વક બદનામ કરી માલિકને ફસાવવા માટે આરોપીએ આ કાવતરું ઘડ્યું હોવાનું તપાસમાં જણાયું હતું.
આ પ્રકરણે સબ-ઈન્સ્પેક્ટર પ્રશાંત બોરસેની ફરિયાદને આધારે ખાર પોલીસે સોમવારની રાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 353(2), 212 અને 217 હેઠળ ગુનો નોંધ્યો હતો.

આપણ વાંચો : એપ્રિલ ફૂલઃ ટાઈગર શ્રોફના પ્રૅન્કથી ખેલાડી અભિનેતા પણ બચી ન શક્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button