આ એક નિર્ણયનો પ્રિયંકા ચોપરાની માતાને છે પસ્તાવો, કહ્યું આજે પણ યાદ કરીને રડવું આવે છે..
મધુ ચોપરાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં એક ખુલાસો કર્યો હતો કે પ્રિયંકા ચોપરાના ઉછેરમાં તેણે અમુક એવા નિર્ણયો લીધા છે જેનો તેને ખૂબ પસ્તાવો છે. ક્યારેક એ સમયગાળાને યાદ કરીને તે રડવા લાગે છે અને જો તેને એ સમયમાં પરત જઇને તેને બદલવાનો મોકો મળે તો તે ચોક્કસપણે તેવું કરશે.
પ્રિયંકા ચોપરા તેના પરિવારની ખૂબ જ નજીક છે. ખાસ કરીને તેની માતા મધુ ચોપરા સાથે તેનું બોન્ડિંગ ઘણું સારું છે. કારકિર્દીની શરૂઆતમાં પ્રિયંકા ચોપરાએ તેની માતાને જ પોતાની મેનેજર બનાવી હતી. આજે પણ અભિનેત્રી તેની માતા સાથે અનેક ઈવેન્ટ્સમાં જોવા મળે છે.
મધુ ચોપરાએ ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાની પ્રશંસા કરી હતી અને તેને સુપરવુમન ગણાવી હતી. પછી તેણે પ્રિયંકાના જીવનમાં શું બદલાવ લાવવા માંગે છે તે વિશે વાત કરી. મધુએ કહ્યું હતું કે, “મેં તેને બોર્ડિંગ સ્કૂલમાં ન મોકલી હોત. જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે હું હજી પણ રડી પડું છું અને દોષિત અનુભવું છું. તેને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવી તે મારી એક મોટી ભૂલ હતી. તેની સાથે જીંદગીનો શ્રેષ્ઠ સમય વિતાવવાને બદલે મેં તેને મારાથી દૂર કરી દીધી. આ મારા જીવનનો સારો નિર્ણય ન હતો.”
પ્રિયંકા ચોપરાના માતા બનવા અંગે અને માલતીના ઉછેર વિશે વાત કરતાં મધુ ચોપરાએ કહ્યું, “પ્રિયંકા નીડર છે અને તે કોઈ પણ વસ્તુથી ડરતી નથી. તે પોતાના બાળકને પોતાનું વ્યક્તિત્વ ઘડવા માટે ઘણી સ્વતંત્રતા આપી રહી છે. એકવાર મેં તેને કહ્યું હતું કે ક્યારેય તેને કોઇ વાતમાં ના ન પાડતી, તેના બદલે તેને સમજાવ, તે સમજી જશે. માત્ર ‘ના’ ન કહો. જ્યારે પણ માલતી મારા ખોળામાં હોય ત્યારે હું મારા બાળકની જેમ તેને લાડ લડાવું છું.” મધુ ચોપરાએ કહ્યું.