પૂનમ પાંડે હવે લવ-કુશ રામલીલામાં મંદોદરીનું પાત્ર ભજવશે નહીં, જાણો શા માટે સમિતિએ આ નિર્ણય લીધો? | મુંબઈ સમાચાર
મનોરંજન

પૂનમ પાંડે હવે લવ-કુશ રામલીલામાં મંદોદરીનું પાત્ર ભજવશે નહીં, જાણો શા માટે સમિતિએ આ નિર્ણય લીધો?

નવી દિલ્હી: દર વર્ષે રાજધાની નવી દિલ્હીમાં લવ-કુશ રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ રામલીલા એટલી પ્રસિદ્ધ છે કે તેને યુનેસ્કોએ પણ માન્યતા આપી છે. તાજેતરમાં આ રામલીલાને અભિનેત્રી પૂનમ પાંડે મંદોદરીનું પાત્ર ભજવશે એવા સમાચાર સામે આવ્યા હતા. પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પૂનમ પાંડે દ્વારા મંદોદરીનું પાત્ર ભજવવાના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો, જેથી રામલીલા સમિતિએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે.

મંદોદરીનું પાત્ર ભજવવા ઉત્સુક પૂનમ પાંડે

અભિનેત્રી પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “દિલ્હીના લાલ કિલ્લા પર થતી વિશ્વ પ્રસિદ્ધ લવ-કુશ રામલીલામાં મને મંદોદરીનું પાત્ર ભજવવાનો અવસર મળ્યો છે. હું બહુ ઉત્સાહિત છું, ઘણી ખૂશ છું. મંદોદરી એક બહુ મહત્ત્વપૂર્ણ પાત્ર છે. મંદોદરી રાવણની પત્ની હતી. હું આ સુંદર પાત્રને ભજવવા માટે ઘણી ઉત્સુક છું.”

પૂનમ પાંડેએ આગળ જણાવ્યું હતું કે, “મેં નક્કી કર્યું છે કે, આવતીકાલથી નવરાત્રી શરૂ થઈ રહી છે, તેથી હું 9 દિવસ ઉપવાસ રાખવાની યોજના બનાવી રહી છું. જેથી મારું તન અને મન વધારે શુદ્ધ રહે અને હું આ સુંદર પાત્રને સારી રીતે ભજવી શકું.”

વિશ્વ હિંદુ પરિષદના વિરોધથી નિર્ણય બદલાયો

પૂનમ પાંડેએ જાહેર કરેલા વીડિયો બાદ સમગ્ર મીડિયામાં તેની ચર્ચા વહેતી થઈ હતી. પોતાની બોલ્ડ ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી રામલીલામાં મંદોદરીનું પાત્ર ભજવવાની છે, એવી જાણ થતાં વિશ્વ હિંદુ પરિષદે રામલીલા સમિતિ સામે વાંધો ઉઠાવ્યો હતો. જેથી રામલીલા સમિતિ દ્વારા પૂનમ પાંડેને લવ-કુશ રામલીલામાંથી પૂનમ પાંડેને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને વિશ્વ હિંદુ પરિષદે વધાવી લીધો છે.

વિશ્વ હિંદુ પરિષદે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે, “વિશ્વ હિંદુ પરિષદ, ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) પ્રાંત, લવ-કુશ રામલીલા સમિતિ દ્વારા લેવામાં આવેલા એ નિર્ણયનું હાર્દિક સ્વાગત કરે છે, જેમાં તેમણે સમાજ તથા પૂજનીય સંતજનોની ભાવનાઓનું સન્માન કરીને આ વર્ષે રામલીલામાં પૂનમ પાંડેને આમંત્રિત ન કરવાનો નિર્ણય લીધો છે.”

અશ્લીલતા મર્યાદાનું ઉલ્લંઘન કરે છે

મીડિયાના અહેવાલમાં “સમિતિનો આ નિર્ણય સમાજની સાંસ્કૃતિક મર્યાદા તથા ધાર્મિક પરંપરાઓના રક્ષણની દિશામાં એક સરાહનીય તથા અનુકરણીય પગલું છે. ધર્મ હંમેશા મર્યાદાનું રક્ષણ કરતો આવ્યો છે અને આ સર્વમાન્ય સત્ય છે કે અશ્લીલતા હંમેશા મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. તેથી મર્યાદાના મંચ પર અશ્લીલતાને સ્થાન આપવું યોગ્ય હોઈ શકે નહીં.”

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે નવરાત્રી દરમિયાન લવ-કુશ રામલીલા કમિટિ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે આ રામલીલામાં કિંશુક વૈદ્ય રામ, રિની આર્ય સીતા અને સાંસદ મનોજ તિવારી પરશુરામની ભૂમિકા ભજવશે. જ્યારે આર્ય બબ્બર રાવણની ભૂમિકામાં જોવા મળશે. જોકે, હવે પૂનમ પાંડે બાદ મંદોદરીનું પાત્ર કોણ ભજવશે, એની સ્પષ્ટા સમિતિ દ્વારા કરવામાં આવી નથી.

આ પણ વાંચો…પૂનમ પાંડેના મંદોદરી રોલ મામલે લવ કુશ કમિટીમાં પડી ફૂટ! ભાજપ નેતાએ પત્ર લખી કર્યો વિરોધ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button