યોજના યુએસમાં, અમલ મુંબઈમાં: સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શૂટરના ઘરમાં પોલીસની સર્ચ
મુંબઈ: ફિલ્મ અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાની યોજના યુએસમાં બનાવવામાં આવી હતી, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. બીજી તરફ સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા શૂટરને પોલીસે ઓળખી કાઢ્યો છે, જે ગુરુગા્રમનો રહેવાસી છે અને તેની ઓળખ કાલુ ઉર્ફે વિશાલ રાહુલ તરીકે થઇ છે. દસમા ધોરણ સુધી ભણેલા કાલુ ઉર્ફે વિશાલ સામે ગોળીબાર અને વાહનચોરીના 50થી વધુ ગુના દાખલ છે. દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કાલુના ગુરુગ્રામના નિવાસે સર્ચ હાથ ધરાઇ હતી.
અભિનેતાના નિવાસ બહાર ગોળીબાર બાદ મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામે લાગી ગઇ હતી. ગોળીબારના ગણતરીના કલાક બાદ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઇના ભાઇ અનમોલના ફેસબૂક પેજ પર ગોળીબારની જવાબદારી સ્વીકારતો મેસેજ પોસ્ટ કરાયો હતો. જોકે ફેસબૂક પેજનું આઇપી એડ્રેસ કેનેડાનું હોવાનું તપાસમાં જણાયું હતું. આઇપી એડ્રેસ કેનેડાનું હોવા છતાં તેમાં વીપીએનનો ઉપયોગ કરાયો હોવાની શંકા છે. આથી પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ યુનાઇટેડ સ્ટેટમાં યોજના બનાવવામાં આવ્યા બાદ અનમોલ બિશ્ર્નોઇએ ત્યાં રહેનારા રોહિત ગોદારા નામના ગેન્ગસ્ટરને શૂટર્સની વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું હતું. આ નિર્ણય સંભવત: ગોદારાના પ્રોફેશનલ શૂટર્સના ભારતના કેટલાક રાજ્યોમાં ફેલાયેલા નેટવર્કથી પ્રભાવિત હતો.
રાજસ્થાનના વતની રોહિત ગોદારનો કાલુ ઉર્ફે વિશાલ શૂટર છે. કાલુએ થોડા દિવસ પૂર્વે લોરેન્સ બિશ્ર્નોઇના ઈશારે હરિયાણાના રોહતકમાં બૂકીની હત્યા કરી હતી. રોહિત ગોદરા લોરેન્સ બિશ્ર્નોઇ ટોળકી સાથે સંકળાયેલો છે. સલમાન ખાનના નિવાસની બહાર ગોળીબારના તાર હરિયાણા સાથે જોડાતા હોવાથી હરિયાણા પોલીસ પણ સક્રિય થઇ ગઇ છે. કાલુ ફેબ્રુઆરીથી ફરાર છે. 29 ફેબ્રુઆરી, 2024માં રોહતકના ધાબાના સીસીટીવી ફૂટેજમાં પણ કાલુને ઓળખી કાઢવામાં આવ્યો છે. કાલુ અને તેના સાથીદારને શોધવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમો દિલ્હી, રાજસ્થાન, જયપુર અને બિહાર ખાતે રવાના કરવામાં આવી છે.