Phule Film Review: મનોરંજન માટે નહીં ઈતિહાસનું આ ચેપ્ટર જોવા માટે જોવા જેવી ફિલ્મ

ફિલ્મ જોવાનો એક મહત્વનો આશય મનોરંજન હોય છે અને હોવો પણ જોઈએ. ઘણી ફિલ્મો મનોરંજન સાથે અમુક સંદેશ આપી જાય છે તો આજકાલ ઐતિહાસિક ફિલ્મોને પણ મનોરંજક બનાવીને પિરસાય છે.
જોકે આ બહાને પણ દર્શકો સુધી આપણે કંઈક જાણકારી પહોંચાડીએ છીએ જે તેમના માટે જરૂરી છે, પણ જો ઈતિહાસને તેના સ્વરૂપમાં જ પિરસવો હોય તો પછી મનોરંજનની બાદબાકી થાય તો કરવી પડે અને આ વાત અનંત મહાદેવન જેવા કસાયેલા ફિલ્મસર્જકને ખબર છે એટલે તેમણે ફુલે ને મનોરંજક બનાવવાને બદલે વાસ્તવિક બનાવી છે.
તમને જો આ અઢી કલાકની ફિલ્મ કંટાળાજનક લાગે તો વિચારજો કે જેમનું જીવન જ આ રીતે ગયું હશે તેમણે કેટલી યાતનાઓ ભોગવી હશે અને તે પણ પોતાના માટે નહીં સમાજ માટે. છેક 18મી સદીમાં સમાજ સુધારણાની વાત કરતા અને તે માટે લડતા ફુલે દંપતીની વાર્તા લઈને ફિલ્મ બનાવવા બદલ અને તેને થિયેટર સુધી પહોંચાડવા બદલ મહાદેવનને અભનિંદન આપવા ઘટે. તો ચાલો જાણીએ કેવી છે ફિલ્મ
આપણ વાંચો: Bad Newz Film Review: આ ફિલ્મ તમને ખુબ હસાવશે, વિકી કૌશલ સાથે તૃપ્તિની શાનદાર કેમેસ્ટ્રી
શું છે ફિલ્મની વાર્તા
આ ફિલ્મની વાર્તા કહેવામાં કંઈ વાંધો નહીં કારણકે કોઈ સસ્પેન્સ ખૂલી જવાનું નથી. ઈતિહાસના પાનાઓમાં લખાયેલી આ વાર્તા ફુલે દંપતીની છે.
1848 થી 1897 સુધીના સમયગાળા દર્શાવતી આ ફિલ્મ જ્યોતિરાવ ફૂલે (પ્રતીક ગાંધી) અને તેમના પત્ની સાવિત્રીબાઈ (પત્રલેખા)નો આભાર માનવાનો એક પ્રયાસ છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે ખેતી કરતા શુદ્ર પરિવારમાં જન્મેલા જ્યોતિબા ફૂલેએ પત્ની સાવિત્રી સાથે મળીને સમાજની જાતિ વ્યવસ્થાને પડકાર ફેંક્યો.
આજે પણ એક મોટો વર્ગ કન્યા કેળવણીને સ્વીકારતો નથી, બાળલગ્નો હજુપણ થાય છે ત્યારે તે સમયમાં આ યુગલે આ વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો.
આ માટે તેમણે જે યાતનાઓ સહન કરી તે આજના સમયમાં આપણને માન્યામાં ન આવે તેવી છે. ફ્રેન્ચ ક્રાંતિથી પ્રભાવિત જ્યોતિરાવ જીવનભર સમાજમાં દરેક જાતની સમાનતા માટે લડતા રહ્યા અને સાવિત્રીબાઈએ ખરી અર્ધાગ્નિની જેમ તેમનો સાથ આપ્યો. મહિલાઓનું શિક્ષણ ઘણેખરે અંશે તેમના પ્રયત્નોને આભારી છે.
આપણ વાંચો: Movie review CrazXy: આ સાઈકો-સસ્પેન્સ થ્રિલર તમને ક્રેઝી કરી નાખશે
કેવું છે ડિરેક્શન અને કેવી છે એક્ટિંગ
અગાઉ કહ્યું તેમ ફિલ્મનો આશય મનોરંજન હતો જ નહીં એટલે આ ફેક્ટર મામલે વાત કરવી યોગ્ય નથી. પણ હા ફિલ્મ ઘણી ધીમી છે અને ઘણા સિન્સમા ઉપદેશાત્મક બની જાય છે. ફિચર ફિલ્મ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ વચ્ચેની ફિલ્મ છે. ફુલે દંપતી પર થયેલા અત્યાચારોને. જાતિના ભેદોને વધારે ચોંટદાર બનાવી શકાયા હોત. જોકે તેમ છતાં આ પ્રકારના વિષયના ડિરેકશનમાં મહાદેવન લગભગ સફળ રહ્યા છે.
એક્ટિંગની વાત કરીએ તો પ્રતીકે ફરી પુરવાર કર્યું છે કે તે રંગમંચનો મંજાયેલો કલાકાર છે અને દરેક પાત્રમાં ઢળી શકે છે. લોકો માટે નવા એવા જ્યોતિબાના પાત્રમાં ઢળવાની તેની મહેનત રંગ લાવી છે. તો સાવિત્રીબાઈ તરીકે પત્રલેખાએ પણ મહેનત કરવામાં કોઈ કસર છોડી નથી. બન્ને નૉન ગ્લેમરસ પાત્રને પૂરતો ન્યાય કરી શક્યા છે.
રોહનનું સંગીત પણ ફિલ્મને અનુરૂપ છે. એક વાત ખરી કે આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કંઈ ખાસ નહીં થાય, પરંતુ મહિલાઓનું શિક્ષણ જેમને આભારી છે અને પછાત મનાતી જાતિઓનો ઉત્થાન જેમણે કર્યો તેમના વિશે જાણવાનો આ એક સારો મોકો છે અને અભ્યાસના ભાગરૂપે પણ બાળકો-યુવાનોએ આ ફિલ્મ જોવી જોઈએ. જોકે ફિલ્મને સ્ટાર તો ફિલ્મની રીતે જ આપવા પડશે.
મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3