Indian Idolનો હિસ્સો રહેલા આ જાણીતા સિંગરને અમદાવાદ જતા થયો અકસ્માત, હાલત ગંભીર…

જાણીતા સિંગિંગ રિયાલિટી ટીવી શો ઈન્ડિયન આઈડલ (Indian Idol)ની 12મી સિઝનના વિનર રહી ચૂકેલા સિંગર પવનદીપ રાજનને ગંભીર અકસ્માત થયો છે અને તેની હાલત ગંભીર હોવાના રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં તેની સાથે ડ્રાઈવર રાહુલ સિંહ અને સાથી અજય મહેરા પણ ઘાયલ થયા છે. સારવાર માટે ત્રણેયને પોલીસે પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સિંગર રવિવારને રાતે પોતાના સાથી અજય મેહરા સાથે ઘરેથી નોએડા જઈ રહ્યો હતો એ સમયે આ અકસ્માત થયો હતો. આ સમયે કાર ડ્રાઈવર રાહુલ સિંહ ચલાવી રહ્યો હતો. પવનદીપ રાજન ઈન્ડિયન આઈડલ-12નો વિજેતા રહી ચૂક્યો છે. રાતે અઢી વાગ્યાની આસપાસ જેવી 28 વર્ષીય પવનદીપની કાર ગજરૌલા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચૌપલા ચોક ઓવરબ્રિજની નીચે ઉતરી કે હાઈવે પર સાઈડમાં ઉભેલા કેન્ટરમાં ઘૂસી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર રાહુલ સિંહને આવેલા ઉંઘના ઝોકાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળેથી બંને અકસ્માતગ્રસ્ત વાહનોને કબજામાં લઈને સિંગર અને તેની સાથે રહેલાં રાહુલ અને અજયને સારવાર માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પવનદીપ રાજનની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પવનદીપ અમદાવાદ ખાતે એક શો કરવાનો હતો અને તે આ જ કારણે એરપોર્ટ જવા નીકળ્યો હતો. સિંગર દિલ્હી એરપોર્ટથી અમદાવાદ માટે ફ્લાઈટ પકડવાનો હતો.
આ પણ વાંચો અજ્ય દેવગની ફિલ્મે વિક એન્ડમાં રંગ જમાવ્યોઃ સંજય અને સૂર્યાની ફિલ્મે કરી આટલી કમાણી
હાલમાં પવનદીપ નોઈડાની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ડોક્ટરે આપેલી માહિતી અનુસાર પવનદીપના બંને પગમાં ફ્રેક્ચર છે અને તેને માથામાં પણ ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માતમાં ઘાયલ ત્રણેયની સ્થિતિ હાલમાં ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ પવનદીપની સ્પીડી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.