રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ તેમની નવી ફિલ્મની જાહેરાત કરી છે. ‘પર્વ’ નામની આ ફિલ્મ એસએલ ભૈરપ્પાના આ જ નામના પુસ્તક પર આધારિત હશે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફેમ ડાયરેક્ટર બેંગ્લોરમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે. આ કાર્યક્રમમાં તેમની પત્ની અને અભિનેત્રી પલ્લવી જોશીએ પણ હાજરી આપી હતી.
‘ધ વેક્સીન વોર’ પછી વિવેક અગ્નિહોત્રી હવે મહાભારત પર એક ફિલ્મ લઈને આવી રહ્યા છે જે ત્રણ ભાગમાં બનાવવામાં આવશે. આ ફિલ્મનું પૂરું નામ ‘પર્વઃ એન એપિક ટેલ ઓફ ધર્મ’ છે. તે ડૉ એસએલ ભૈરપ્પાની સૌથી વધુ વેચાતી નવલકથા ‘પર્વ’ પર આધારિત હશે. પર્વ સૌ પ્રથમ કન્નડમાં 1979માં લખાયું હતું. આ પુસ્તકમાં મહાભારતની ગાથા તેના મુખ્ય પાત્રોના સંદર્ભમાં કહેવામાં આવી છે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રો કોણ નિભાવશે એ અંગે હજી કંઇ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં જ પાત્રો અને તેમની ભૂમિકા નક્કી થઇ જશે.
આની જાહેરાત કરતા વિવેકે એક પોસ્ટર પણ શેર કર્યું છે જેમાં ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ઉપદેશ આપતા જોવા મળે છે. આ સાથે, ફિલ્મ નિર્માતાએ કેપ્શનમાં લખ્યું – “મોટી જાહેરાત: મહાભારત ઇતિહાસ છે કે પૌરાણિક કથા? અમે પદ્મભૂષણ ડૉ. એસ.એલ. ભૈરપ્પાની ‘મોડર્ન ક્લાસિક’ પ્રસ્તુત કરવા માટે ભગવાનના આભારી છીએ: પર્વ – ધર્મની મહાકાવ્ય વાર્તા. પર્વને ‘માસ્ટરપીસ ઓફ માસ્ટરપીસ’ કહેવાનું પણ એક કારણ છે.
ફિલ્મ નિર્માતાએ એક ટૂંકી ક્લિપ પણ શેર કરી છે જેમાં તે ‘પર્વ’ શું છે તે સમજાવતો જોવા મળે છે. તેમણે કહ્યું કે આ કન્નડ પુસ્તકનો ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. તેનો અંગ્રેજી, રશિયન, ચાઈનીઝ, મેન્ડરિન અને સંસ્કૃતમાં પણ અનુવાદ થયો છે અને તે દરેક ભાષામાં બેસ્ટ સેલર રહ્યો છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે, જેનું કામ શરૂ થઈ ગયું છે. તેનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રી કરી રહ્યા છે. આ ફિલ્મ તેમની પત્ની પલ્લવી જોશી નિર્મિત છે.