Pankaj Udhas: પહેલી નજરમાં થયો પ્રેમ ને પછી તો ધર્મના વાડા પણ આડા ન આવ્યા
ગીત-ગઝલોને પોતાનો કંઠ આપી સૌના હૃદયમાં હંમેશા માટે વસતા પંકજ ઉધાસનું અવસાન ફેન્સ માટે આટલો મોટો ઝટકો છે ત્યારે સ્વાભાવિક રીતે પરિવાર પણ શોકમગ્ન છે. પંકજના નિધનના સમાચાર તેમની પુત્રી નયાબ ઉધાસે આપ્યા હતા. નાયાબે લખ્યું હતું કે ભારે હ્રદય અને ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું છે કે પદ્મશ્રી પંકજ ઉધાસ જીનું 26 ફેબ્રુઆરી 2024 ના રોજ લાંબી માંદગીને કારણે નિધન થયું છે.
ગુજરાતના જેતપુરમા જન્મેલા ઉધાસ હૃદયથી કલાકાર હતા અને કલાકારોને કોઈ સીમા-સરહદો નડતી નથી, જોકે સમાજની અમુક પરંપરાઓ ક્યારેક નડતી હોય છે, પરંતુ પંકજે આની કોઈ પરવા ન કરતા પ્રેમને જ સર્વોપરી માન્યો હતો ત્યારે તેમની લવસ્ટોરી પણ ઈન્ટરેસ્ટિંગ છે.
પંકજની તેની પત્ની ફરીદા સાથે પ્રથમ મુલાકાત તેના પાડોશી દ્વારા કરવામાં આવી હતી. તે સમયે પંકજ ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને ફરીદા એર હોસ્ટેસ હતી. પંકજ અને ફરીદા એક પાડોશી દ્વારા ગોઠવાયેલી મીટિંગ દ્વારા મિત્રો બન્યા. આ પછી બંને વચ્ચે બેઠકોનો દૌર શરૂ થયો. સતત એકબીજા સાથે સમય વિતાવ્યા બાદ બંને એકબીજાની નજીક આવ્યા અને એકબીજાના પ્રેમમાં પડ્યા. તેમના લગ્નમાં ધર્મની દીવાલ આવી હોવા છતાં પંકજે મક્કમ રહીને ફરીદા સાથે લગ્ન કર્યા.
પંકજ ઉધાસે ફરીદા સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે દીકરીઓ છે. નાયાબ અને રીવા ઉધાસ. નયાબે ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઓજસ અઢિયા સાથે લગ્ન કર્યા. નાયાબ તેનું મ્યુઝિક બેન્ડ પણ ચલાવે છે. તે ઘણા શોનું પણ આયોજન કરે છે. જ્યારે નાની દીકરી રીવા પણ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. જોકે તે લાઈમલાઈટથી દૂર રહે છે.
પંકજ ઉધાસને સંગીતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2006માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉધાસ ઘણું જ સાદું જીવન જીવ્યું છે. પંકજ નિયમિતપણે દરરોજ 6-7 અખબારો વાચતા અને પોતાને ફિટ રાખવા માટે યોગ અને કસરત પણ કરતા હતા.