અભિનેતા પંકજ ત્રિપાઠીના માતાનું દેહાંતઃ દીકરો સ્ટાર છે તે માતાને ખબર જ ન હતી

નેશનલ એવોર્ડ વિનર એક્ટર પંકજ ત્રિપાઠીના માતા હેમવંતીદેવીનું 89 વર્ષની વયે નિધન થઈ ગયું છે. વર્ષ 2023માં તેમના પિતાનું 99 વર્ષે નિધન થયું હતું ત્યારે માત્ર ત્રણ વર્ષમાં અભિનેતાએ માતા-પિતા બન્નેને ગુમાવ્યા છે.
પંકજના માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તે પોતાના ગામ બેલસાડ (બિહાર)માં જ હતા. તેમાન માતા રાત્રે ઊંઘમાં જ મૃત્યુ પામ્યા હતા. પકંજની ટીમે એક સત્તાવાર નિવેદન જાહેર કરી આ ખબરની પૃષ્ટિ કરી છે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા અને અભિનેતાની પ્રાઈવસીને ડિસ્ટર્બ ન કરવા વિનંતી કરી છે.
ખૂબ જ વર્સટાઈલ એક્ટર પંકજ પોતાના ગામ સાથે ખૂબ જ જોડાયેલા હતા અને જીવનમાં મળેલી સફળતા માટે માતા-પિતાને શ્રેય આપતા હતા. નેશનલ એવોર્ડ મીમી માટે જ્યારે સિલેક્ટ થયા ત્યારે એક મીડિયા ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે મારા માતાને ખબર જ નથી કે ઙું શું કામ કરું છું. તેઓ મારા ઘરે મુંબઈ આવ્યાં ત્યારે કોઈ મને મળવા આવ્યું ત્યારે તેમને ખબર પડી કે હું આટલો લોકપ્રિય છું. જોકે તેમના માતાને મુંબઈ રહેવું ગમતું નહીં અને તેઓ પોતાના ગામડાની સીધીસાદી લાઈફ જ જીવવા માગે છે, તેમ તેમણે જણાવ્યું હતું.
પંકજ ત્રિપાઠી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગ શિખીને આવ્યા છે અને છેલ્લા દસેક વર્ષમાં તેમણે હિન્દી ફિલ્મજગતમાં ખૂબ જ નામ અને દામ કમાયા છે.



