જય હિંદ કી સેનાઃ ઑપરેશન સિંદૂરને વધાવ્યું ફિલ્મી સિતારાઓએ, સેનાને કરી સલામ…

ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં ઘુસીને પહેલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે અને ત્રાસવાદી અડ્ડાઓનો ખાતમો બોલાવ્યો છે. મસૂદ અઝહર અને લશ્કર-એ તૈયબાના ઠેકાણાઓ પણ ઊખાડી નાખ્યા છે અને તેથી દેશવાસીઓ ગદગદ થઈ ગયા છે. શાંતિપ્રિય ભારત દેશ યુદ્ધ કે ખુનાખરાબી ઈચ્છતો નથી, પરંતુ પાડોશી દેશની નાપાક હરકતોનો પણ જવાબ આપવા સક્ષમ છે અને તે ફરી પુરવાર થયું છે. સમગ્ર દેશવાસી 26 સહેલાણીઓના પહેલગામમાં થયેલા મોતના લેવાયેલા બદલ મામલે આનંદ વ્યક્ત કરી રહ્યો છે ત્યારે બોલીવૂડે પણ સેનાની આ કાર્યવાહીને બિરદાવી છે.
ફિલ્મ સિતારાઓ સોશિયલ મીડિયા સાઈટ પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તાજેતરમાં જ રીલિઝ થયેલી રેડ-2 ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનારા રીતેષ દેશમુખે ટ્વીટ કરી છે. ઑપરેશન સિંદૂરના પોસ્ટર સાથે જય હિન્દ કી સેના ભારત માતા કી જય તેવી કેપ્શન લખી છે.

ફિલ્મસર્જક મધુર ભંડારકરે લખ્યું છે અમારી પ્રાર્થના સેનાની સાથે છે. એક રાષ્ટ્ર તરીકે આપણે સાથે છીએ. જય હિન્દ.
અભિનેત્રી નિમરત કૌરે પણ social media પર પોસ્ટ લખી છે. આપણે આપણી સેનાની સાથે છીએ. એક રાષ્ટ્ર એક મિશન. જય હિન્દ. તેમના ઉપરાંત અનુપમ ખેર, પરેશ રાવલ બધાએ સેનાને બિરદાવી છે.

22મી એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આવેલા પર્યટકોએ ત્રાસવાદનું વરવું રૂપ જોયું. 26 પુરુષોને તેમનો ધર્મ પૂછી હિન્દુ હોય તો ગોળીઓ મારી મોતને ઘાટ ઉતાર્યા. આ ઘટનાથી દેશમાં ફરી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે આક્રોશ પેદા થયો. ત્યારે ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર દ્વારા આ હુમલાનો જવાબ આપ્યો. ત્રાસવાદીઓએ નવી નવેલી દુલ્હનથી માંડી અહીં આવેલી મહિલા પ્રવાસીઓની નજર સામે તેમના પતિની હત્યા કરી હોવાથી આ મિશનને સિંદૂર નામ આપવામાં આવ્યું.