‘ઓપરેશન સિંદૂર’ ફિલ્મ વાશુ ભગનાની નથી બનાવી રહ્યા તો કોણ બનાવી રહ્યું છે?

મુંબઈઃ પહલગામ હુમલામાં માસુમ લોકોએ પ્રાણ ગુમાવ્યા અને આખા દેશમાં ગુસ્સો વ્યાપી ગયો હતો. ભારત સરકારે જવાબી કાર્યવાહીમાં ‘ઓપરેશન સિંદૂર’ ચલાવીને ભારતને જડબાતોડ પ્રતિસાદ આપ્યો હતો. આ કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભારતની તૈયારી અને સેનાની અચૂક મારક ક્ષમતા જોઈને ભારતવાસીઓ ગર્વ અનુભવી રહ્યા છે. હવે આ ઘટના રોકડી કરવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોડ લાગી છે. એવા સમાચાર હતા કે લગભગ 15 દિગ્દર્શકોએ ‘ઓપરેશન સિંદૂર’ પર નવી ફિલ્મ બનાવવાના અધિકારો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પછી દિગ્દર્શક ઉત્તમ મહેશ્વરી અને નીતિન કુમાર ગુપ્તાએ નિર્માતાઓ નિક્કી ભગનાની અને વિક્કી ભગનાની સાથે મળીને ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ની જાહેરાત કરી હતી. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં AI ની મદદથી એક મહિલા સૈનિક હાથમાં રાઇફલ પકડીને અને તેના કપાળ પર સિંદૂર લગાવતી બતાવવામાં આવી હતી.
આ પણ વાંચો: મિટ્ટી મેં મિલા દેંગે ઔર ફિરઃ પાકિસ્તાનને પીએમ મોદીની ચેતવણી, ઓપરેશન સિંદૂર અંગે કરી મહત્ત્વની વાત…
વિકી અને નિક્કી ભગનાનીના નામ સાંભળીને બધાને પ્રખ્યાત નિર્માતા વાશુ ભગનાની અને જેકી ભગનાની યાદ આવી ગયા. હજી ઓપરેશન સમાપ્ત પણ નથી થયું તે પહેલા આ રીતે ફિલ્મની જાહેરાત જોઈને સોશિયલ મીડિયા પર લોકો ભડકી ગયા. લોકોના આક્રોશનો ભોગ વાશુ ભગનાની અને જેકી બન્યા હતા.
પૂજા એન્ટરટેઈનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ ચલાવતા વાશુ અને જેકીને સત્તાવાર નિવેદન બહાર પાડીને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવી પડી કે તેમને ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ સાથે કોઈ લેવાદેવા નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર નામની ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર ફેલાતા તાજેતરના સમાચાર અહેવાલો અને અફવાઓ અંગે અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ. વાશુ ભગનાની અને જેકી ભગનાનીને આ પ્રોજેક્ટ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો: ‘આપણા દુશ્મનોને સ્પષ્ટ સંદેશ અપાયો…’ રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું નિવેદન
આ મુશ્કેલ સમયમાં અમે ભારતીય સેનાની સાથે ઊભા છે. આપણને સુરક્ષિત રાખવા લડતા દરેક સૈનિક માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આ ઉપરાંત, દિગ્દર્શક ઉત્તમ મહેશ્વરીએ ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ની જાહેરાત કરવા બદલ માફી માંગી છે. ફિલ્મની જાહેરાતથી ગુસ્સે થયેલા લોકોની માફી માંગતા તેમણે નિવેદન બહાર પાડ્યું કે તેઓ જોશમાં આવીને તેઓ ભાવનાઓમાં વહી ગયા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ ક્યારેય કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.