
ભુવનેશ્વર: ભારતના સંગીત જગતમાંથી ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. ઓડીશાના જાણીતા સંગીત દિગ્દર્શક અભિજીત મજુમદારની તબિયત લથડી (Abhijeet Majumdar) છે.
ગંભીર હાલતમાં તેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જ્યાં તેમની સ્થિતિ વધુ બગડતા ભુવનેશ્વરની AIIMS દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના ચાહકો હાલ ચિંતામાં છે.
અહેવાલ મુજબ અભિજીત મજુમદાર લીવર સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. 27 ઓગસ્ટના રોજ, ગણેશ પૂજા દરમિયાન પરફોર્મન્સ આપતી વખતે તેમની તબિયત અચાનક લથડી હતી. મેડીકલ રીપોર્ટસમાં જાણવા મળ્યું કે તેમના શરીરમાં પોટેશિયમની ઉણપ છે.
31 ઓગસ્ટના રોજ તેમની તબિયત વધુ બગડતા કટકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ AIIMS ભુવનેશ્વરમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.
અભિજીત મજુમદાર ઓડીશાના સૌથી સફળ મ્યુઝિક ડાયરેક્ટમાંના એક છે. તેમણે સંખ્યાબંધ ફિલ્મોના ગીતોમાં સંગીત આપ્યું છે, આ ઉપરાંત આલ્બમ અને સંબલપુરી સંગીત સહિત 700 થી વધુ ગીતોમાં સંગીત આપ્યું છે.
ચાહકોમાં ચિંતા:
અભિજીત મજુમદાર સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે. તેઓ ચાહકોને નવા પ્રોજેક્ટ્સ વિષે સતત માહિતી આપતા રહે છે અને તેમના પર્ફોર્મન્સના નાના વિડીયો પણ શેર કરતા રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 50 હજારથી વધુ ફોલોઅર્સ છે.
અભિજીત મજુમદારની તબિયત ગંભીર હોવાના સમાચાર મળતા ઉડિયા સંગીતના ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થાય છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો…લવ એન્ડ વોર’ ફિલ્મ મુશ્કેલીમાં? ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ