જો એ સુપરસ્ટારનું નિધન ન થયું હોત તો શાહિદ કપૂરને ક્યારેય ન મળત ‘હુસૈન ઉસ્તરા’નો રોલ!

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ ફરી એકવાર મોટા પડદે ધમાકેદાર વાપસી કરી રહ્યા છે. તેમની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ને લઈને સિનેપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની નવી જોડી સાથે વિશાલ ભારદ્વાજ એક અનોખી ક્રાઈમ ડ્રામા સ્ટોરી લઈને આવ્યા છે. જોકે, આ ફિલ્મ પાછળ એક એવો ઈતિહાસ છુપાયેલો છે જે કદાચ ઘણા ઓછા લોકો જાણે છે. આ ફિલ્મ એ જ વિષય સાથે જોડાયેલી છે જે વર્ષો પહેલા ઈરફાન ખાન અને દીપિકા પાદુકોણ સાથે અધૂરી રહી ગઈ હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે વિશાલ ભારદ્વાજ વર્ષો પહેલા ‘સપના દીદી’ નામની ફિલ્મ બનાવવાની યોજના ધરાવતા હતા. આ વાર્તા અંડરવર્લ્ડ ક્વીન રહીમા ખાનના જીવન પર આધારિત હતી. તે સમયે મુખ્ય ભૂમિકામાં ‘પીકુ’ ફેમ દીપિકા પાદુકોણ અને દિવંગત અભિનેતા ઈરફાન ખાન પસંદ કરવામાં આવ્યા હતા. જોકે, ઈરફાન ખાનની નાદુરસ્ત તબિયત અને ક્રિયેટીવ મતભેદોને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો હતો. હવે વર્ષો પછી વિશાલ ભારદ્વાજ તે જ મૂળ વિચારને એક નવા દ્રષ્ટિકોણ અને નવી સ્ટારકાસ્ટ સાથે ‘ઓ રોમિયો’ તરીકે રજૂ કરી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણે ‘સપના દીદી’ માટે અડધું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું હતું. આ ફિલ્મમાં દીપિકા અંડરવર્લ્ડ ક્વીન રહીમા ખાન અને ઈરફાન ખાન ગેંગસ્ટર હુસૈન ઉસ્તારાના રોલમાં જોવા મળવાના હતા. પંકજ ત્રિપાઠીએ પણ એક ઈન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે તેઓ આ બંને કલાકારો સાથે શૂટિંગ કરી ચૂક્યા હતા. પરંતુ ઈરફાન ખાનના આકસ્મિક અવસાન અને ડિરેક્ટર હની ત્રેહાન સાથેના મતભેદોને કારણે ફિલ્મ અટકી પડી હતી, જે હવે ‘ઓ રોમિયો’ના રૂપમાં નવી રીતે પડદા પર આવશે.
‘ઓ રોમિયો’ કેવી રીતે બની અલગ ફિલ્મ?
તાજેતરમાં ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ દરમિયાન વિશાલ ભારદ્વાજે સ્પષ્ટતા કરી હતી કે ‘ઓ રોમિયો’ એ ‘સપના દીદી’થી તદ્દન અલગ ફિલ્મ છે. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં આ ફિલ્મનું નામ ‘ઓ રોમિયો’ નહોતું, પરંતુ જેમ જેમ સ્ટોરી આગળ વધી તેમ આ નવું ટાઇટલ નક્કી કરવામાં આવ્યું. જોકે વાર્તાનો મૂળ વિચાર જૂનો હોઈ શકે છે, પરંતુ તેના પાત્રો સંપૂર્ણપણે નવી છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આ ફિલ્મ અગાઉના પ્રોજેક્ટ સાથે સીધો સંબંધ ધરાવતી નથી.
સાજિદ નડિયાદવાલા દ્વારા ડિરેક્ટેટ આ ફિલ્મ 13 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં માત્ર શાહિદ અને તૃપ્તિ જ નહીં, પરંતુ નાના પાટેકર, અવિનાશ તિવારી, તમન્ના ભાટિયા, ફરીદા જલાલ અને દિશા પટણી જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. વિક્રાંત મેસી આ ફિલ્મમાં સ્પેશિયલ એપિયરન્સમાં જોવા મળશે. વિશાલ ભારદ્વાજની ફિલ્મો તેની ડાર્ક અને રિયલ વાર્તાઓ માટે જાણીતી હોય છે, ત્યારે ‘ઓ રોમિયો’ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવી પૂરી શક્યતા છે.
આપણ વાંચો: મુશ્કેલીમાં મુકાયેલા રાજપાલની મદદે આખું બોલીવુડ, જામીન પર સુનાવણી લાખો ફેન્સની નજર



