બોલીવુડ એક્ટ્રેસ નૂપુર સેનન અને સિંગર સ્ટેબિન બિન લગ્નના બંધને બંધાયા

મુંબઈ: બોલીવુડમાં અત્યારે લગ્નની સીઝન જામી છે. એક્ટ્રેસ કૃતિ સેનનની નાની બહેન નૂપુર સેનન અને જાણીતા સિંગર સ્ટેબિન બિન આખરે લગ્નના બંધને બંધાઈ ગયા છે. લેકસિટી ઉદયપુરમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં બોલીવુડના અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. રિપોર્ટ અનુસાર, આ કપલે અત્યંત સુંદર અને ‘ડ્રીમી’ વાતાવરણમાં ખ્રિસ્તી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા છે. આ હાઈ-પ્રોફાઈલ લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
નૂપુર અને સ્ટેબિનના લગ્ન ઉદયપુરમાં એક સુંદર ક્રિશ્ચિયન સેરેમની સાથે સંપન્ન થયા હતા. આ લગ્ન બાદ સાંજે એક શાનદાર કોકટેલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ન્યૂલી વેડ કપલ શેમ્પેઈન સાથે પોતાની ખુશીની ઉજવણી કરતું જોવા મળે છે. આ દરમિયાન નૂપુર સફેદ વેડિંગ ગાઉનમાં અપ્સરા જેવી સુંદર લાગતી હતી, જ્યારે સ્ટેબિન પણ ઓલ-વ્હાઈટ આઉટફિટમાં હેન્ડસમ દેખાતો હતો.
આ ભવ્ય લગ્નમાં દિશા પાટણી અને મૌની રોયે સહિત બોલીવુડની જાણીતી અભિનેત્રીઓએ ખાસ હાજરી આપી હતી. બંને હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે, જેમાં તેઓ ડે-ગાઉન્સમાં તૈયાર જોવા મળે છે. આ ઉપરાંત, કૃતિ સેનનનો રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા પણ આ ફંક્શનમાં હાજર હતો. તેણે પ્રોડ્યુસર દિનેશ વિજન અને ડાયરેક્ટર અમર કૌશિક સાથેની તસવીર શેર કરીને લગ્નની રોનકમાં વધારો કર્યો હતો. સેલિબ્રિટી ફેશન સ્ટાઈલિસ્ટ સુકૃતિ ગ્રોવર અને મેકઅપ આર્ટિસ્ટ આસિફ અહેમદ પણ આ ભવ્ય સેલિબ્રેશનનો ભાગ બન્યા હતા.
ક્રિશ્ચિયન વેડિંગ બાદ હવે ચાહકો નૂપુર અને સ્ટેબિનના ટ્રેડિશનલ હિન્દુ લગ્નની રાહ જોઈ રહ્યા છે. રવિવારે આ કપલ પરંપરાગત રીતે સાત ફેરા લઈને લગ્નની વિધિ પૂર્ણ કરશે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયા પર ચાહકો આ જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે.



