સિંગર આદિત્ય નારાયણના વર્તન અંગે હવે ચાહકે કર્યો મોટો ખુલાસો

રાંચીઃ થોડા દિવસ પહેલા જાણીતા સિંગર કમ એક્ટર આદિત્ય નારાયણના લાઈવ કોન્સર્ટ દરમિયાન ફેન સાથે ગેરવર્તન કરવાનો વીડિયો જોરદાર વાઇરલ થયો હતો. આદિત્ય નારાયણના આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે આદિત્ય નારાયણે જે ફેન સાથે ગેરવર્તન કરી તેનો મોબાઇલ પણ ફેંકી તેના અંગે તેના ચાહકે સૌથી મોટો ખુલાસો કર્યો છે.
આ ઘટના અંગે કંપનીના ઈવેન્ટ મેનેજર અને આદિત્ય નારાયણે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ફેન પર્ફોર્મન્સ દરમિયાન આદિત્યને લાત મારી હતી એટલે તેનો મોબાઇલ આદિત્યએ ફેંકી દીધો હતો પણ આ બધા આરોપોને ચાહકે ફગાવી દીધા હતા.
એ વિદ્યાર્થીએ કહ્યું હતું કે આદિત્યના કોન્સર્ટ વખતે હું સ્ટેજની નજીક ઊભો હતો. એ જ વખતે આદિત્ય ત્યાં ઊભા રહેલા લોકો પાસેથી ફોન લઈને સેલ્ફી લેતો હતો અને મેં પણ સેલ્ફી લેવા માટે તેને પોતાનો ફોન આપ્યો પણ તેણે મારા હાથ પર માઇક વડે મારીને મારો ફોન પણ ફેંકી દીધો હતો. માત્ર સેલ્ફી લેવા માટે મારો ફોન આદિત્યને આપ્યો હતો.
અનેક લોકોએ આ વીડિયોને લઈને મને જ દોષી ગણાવ્યો છે પણ મેં આદિત્યને હાથ પણ નથી લગાવ્યો. મારા ફોનને ફેંકી દીધા બાદ પણ આદિત્યએ અનેક લોકો સાથે સેલ્ફી લીધી હતી. માત્ર આદિત્યના મૂડ બાબતે તેને જ ખબર છે. હું આ બાબતે કોઈ પણ ફરિયાદ પોલીસમાં નોંધાવવા નથી માગતો, એવી ફેને પોતાના નિવેદનમાં કહ્યું હતું.
આ ઘટના અંગે ઈવેન્ટના મેનેજરે કહ્યું હતું કે આદિત્યના પરફોર્મન્સ દરમિયાન એક વ્યક્તિ તેનો પગ ખેંચી રહ્યો હતો. આ વાતને લઈને આદિત્યએ ગુસ્સો આવતા તેને ચાહકનો ફોન ફેંક્યો હતો, પણ આદિત્યએ આ બાબતે કોઈ પણ નિવેદન આપ્યું નથી.