શૉપિંગ, પાર્ટી કે ટ્રીપ નહીં, અનન્યા અને સિદ્ધાર્થે પોતાની પહેલી સેલરીથી આ કર્યું…
મુંબઈઃ સેલિબ્રિટીના સંતાનો અથવા શ્રીમંતોના નબીરા વિશે આપણે ઘણીવાર ખોટી વાતો મનમાં ભરી લેતા હોય છે. તેઓ પરિવારના પૈસે એશ કરતા હશે અને માત્ર પાર્ટી ને શૉપિંગ જ કરતા હોય તેવી છાપ આપણા મનમાં હોય છે, પરંતુ હકીકતમાં આમ હોતું નથી. દરેક અલગ અલગ રીતે જીવતા હોય છે. આવું જ કંઈક અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ કહ્યું છે.
અનન્યા પાંડે અને સિદ્ધાર્થ ચતુર્વેદીની ફિલ્મ ખો ગયે હમ કહાં ચર્ચામાં છે. તેનું ટ્રેલર આજના મિત્રો અને આજના જીવનની વાત કરતું હોવાથી યુવાનોને ગમે તેવું હોવાથી ઘણું ચર્ચામાં રહ્યું છે. આ ફિલ્મ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેમાં સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 26 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. રવિવારે એક કાર્યક્રમમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. દરમિયાન અનન્યાને જ્યારે પૂછવામા આવ્યું કે તેણે તેની પહેલી સેલરીનું શું કર્યું ત્યારે તેનાં જવાબે ઘણાને ચોંકાવી દીધા હતા.
આ પ્રશ્નના જવાબમાં અનન્યાએ કહ્યું કે તેણે તેની બહેન રિસાની ટ્યુશન ફી તેના પ્રથમ પે-ચેકમાંથી ચૂકવી હતી. તેણે કહ્યું કે હું મારી બહેનની પ્રગતિ માટે તેનાં શિક્ષણ માટે કંઈક કરવા માગતી હતી. જ્યારે સિદ્ધાંત ચતુર્વેદીને આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, મેં મારા ભાઈ જે હવે 19 વર્ષનો છે તેના માટે PS5 ખરીદ્યું છે. જ્યારે મેં તે ખરીદ્યું, ત્યારે મેં વિચાર્યું કે અમે સાથે રમીશું પણ હવે તો અમે એકબીજાના કૉમ્પીટિટર થઈ ગયા છે, તેમ તે હસતા હસતા કહે છે.
તો વળી, આદર્શ ગૌરવએ કહ્યું કે મને પહેલી સેલરીનું તો યાદ નથી પણ મેં મારા પૈસાથી એક વોકલ પ્રોસેસર ખરીદ્યું છે. તેનો ઉપયોગ મોટે ભાગે ગાયકો દ્વારા કરવામાં આવે છે. ખો ગયે હમ કહાનું નિર્દેશન અર્જુન વરૈન સિંહે કર્યું છે. તેની વાર્તા મુંબઈમાં રહેતા ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. ટ્રેલરમાં સિદ્ધાંત ચતુર્વેદી સ્ટેન્ડ-અપ કોમેડિયન ઈમાદની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મમાં અનન્યા પાંડે આહાના અને આદર્શ ગૌરવ નીલની ભૂમિકામાં છે.
આ ફિલ્મનું ટ્રેલર ફરહાન અખ્તરની દિલ ચાહતા હૈની યાદ અપાવે છે. આ ફિલ્મની સ્ટોરી ઝોયા અખ્તરએ અન્ય લેખકો સાથે મળી લખી છે. ડિસેમ્બર મહિનામાં મોટા બેનરની ફિલ્મ રીલિઝ થશે જ્યારે આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થવાની છે. ત્યારે જોઈએ કે દર્શકોને આ ફિલ્મમાંથી કંઈક મળે છે કે પછી ફિલ્મ પોતે જ ખોવાઈ જાય છે.