મનોરંજન

સારા અલી ખાન જ નહીં આ મુસ્લિમ અભિનેત્રી પણ છે ભોળાનાથની ભક્ત

બોલીવૂડમાં એવા ઘણા અભિનેતા-અભિનેત્રીઓ છે જે ધર્મમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને પોતપોતાની રીતે ભગવાનને ભજે છે. તેમાંથી એક સૈફ અલી ખાન અને અમૃતાની દીકરી સારા અલી ખાન પણ છે. સારા માત્ર મુસ્લિમ ધર્મ નહીં હિન્દુ ધર્મના દેવસ્થાનોમાં પણ જતી જોવા મળે છે અને શિવ ભગવાનની ભક્ત હોવાનું કહે છે. આ માટે ઘણીવાર ઈન્ટરનેટ પર અમુક લોકો તેની ટીકા પણ કરે છે. ત્યારે હવે બીજી એક મુસ્લિમ અભિનેત્રીએ પણ પોતે ભગવાન શિવમાં શ્રદ્ધા ધરાવતી હોવાનું કહ્યું છે. માત્ર એટલું જ નહીં પણ તેણે ઘણા હિન્દુ મંદિરોમાં માથું ટેકવ્યું છે અને તકલીફ વેઠી ભગવાનના દર્શન કર્યા છે. આ અભિનેત્રીનું નામ છે નુસરત ભરુચા.

Nushrratt Bharuccha તાજેતરમાં તેની ઓટીટી રિલિઝ છોરી-2ને લઈ સમાચારોમાં છે. ફિલ્મમાં તેનાં અને સોહા અલી ખાનના વખાણ થઈ રહ્યા છે. ત્યારે એક પોડકાસ્ટમાં નુસરતે પોતાની ધાર્મિક શ્રદ્ધા વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે મને મહાદેવમાં ખૂબ શ્રદ્ધા છે અને સંતોષી માતાના 16 સોમવાર પણ મેં કર્યા છે. નુસરતે જણાવ્યું હતું કે હું નાનપણથી જ મંદિર, ચર્ચ બધે જ જાઉં છું. શક્ય હોય ત્યારે પાંચ વખત નમાઝ પણ પઢુ છું. હું એ દરેક જગ્યાએ જવાની કોશિશ કરું છું જ્યાં મને શાંતિ મળે. મારું માનવાનું છે કે ઈશ્વર એક છે, માત્ર તેના સુધી પહોંચવામાં રસ્તા અલગ અલગ છે અને હું એ તમામ રસ્તા પર ચાલવાની કોશિશ કરું છું. નુસરત કેદારનાથ ગઈ છે અને પગથિયાં ચડીને માતારાનીના દર્શન કર્યા છે.

નુસરત અંકશાસ્ત્રમાં પણ માને છે અને તેથી તેણે તેના નામના સ્પેલિંગમાં પણ ફેરફાર કર્યો છે. જોગાનુજોગ નુસરતે 2006માં પહેલી ફિલ્મ જય સંતોષી મા કરી હતી, જોકે તેને 2016માં આવેલી લવ સેક્સ ધોખા અને પ્યાર કા પંચનામાથી ઓળખ મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button