દીપિકા કે આલિયા નહીં, આ અભિનેત્રી ચૂકવે છે સૌથી વધારે ટેક્સ
નવી દિલ્હીઃ ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા ભારતમાં 2024માં સૌથી વધુ આવકવેરો ચૂકવનાર સેલિબ્રિટીઝની યાદી બહાર પાડવામાં આવી છે અને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ કે શ્રદ્ધા કપૂર જેવી સેલેબ્સને પછાડી અભિનેત્રી કરીના કપૂર સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મહિલા સેલેબ બની છે. અભિનેત્રીએ નાણાકીય વર્ષ 2024માં 20 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો હતો.
ફોર્ચ્યુન ઈન્ડિયામાં જણાવવામાં આવ્યું છે કે કરીના કપૂરે તેની સફળ ફિલ્મોની આવક અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવક સાથે મનોરંજન ઉદ્યોગની તમામ મહિલા સેલિબ્રિટીઓને પાછળ છોડી કરવેરામાં મોટી રકમ ચૂકવી છે. કરીના કપૂરે રૂ. 20 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. ત્યાર બાદ બીજા નંબરે અભિનેત્રી કિયારા અડવાણી છે, તેણે 12 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. અભિનેત્રી કેટરિના કૈફ રૂ. 11 કરોડ ચૂકવીને યાદીમાં ત્રીજા સ્થાને છે. આ યાદીમાં અન્ય કોઈ મહિલા સેલિબ્રિટી સામેલ નથી.
ફોર્ચ્યુન ઈન્ડિયા લિસ્ટની વાત કરીએ તો અભિનેતા શાહરૂખ ખાને 2024માં તમામ ભારતીય સેલિબ્રિટીઓમાં સૌથી વધુ ટેક્સ ચૂકવ્યો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર છેલ્લે ક્રૂમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ સફળ રહી હતી. રાજેશ એ કૃષ્ણન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કૃતિ સેનન અને તબ્બુ પણ હતા.