Los Angeles Fire: આગના કારણે નોરા ફતેહીને હોટલમાંથી કાઢવામાં આવી બહાર, કહ્યું- ખૂબ ડરામણું છે
લૉસ એંજલસઃ હોલિવૂડ ફિલ્મ સિટી તરીકે જાણીતા લૉસ એંજલસમાં જંગલોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને અત્યાર સુધીમાં સેંકડો એકરમાં ફેલાઇ ગઇ છે. બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પણ આ ઘટનાની સાક્ષી બની હતી. આગના કારણે નોરા અને તેની ટીમને હોટલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. કામ માટે યુએસએ ગયેલી નોરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર જંગલની આગની એક ઝલક શેર કરી હતી અને પ્રશંસકો તથા ફોલોઅર્સ સાથે અનુભવ શેર કર્યો હતો.
વીડિયોમાં નોરા ફતેહી કહે છે કે, હું એલએમાં છું અને જંગલની આગ ખૂબ ભયાનક છે. મેં આ પહેલા આવું ક્યારેય જોયું નથી. આ ખરેખર ખૂબ ભયાનક છે. અમને પાંચ મિનિટ પહેલા જ અહીંયાથી નીકળવાનો આદેશ મળ્યો છે. તેથી મેં મારો સામાન પેક કર્યો અને હું અહીંથી નીકળી રહી છું. હું એરપોર્ટ નજીક જઈને ત્યાં આરામ કરીશ. આજે મારી ફ્લાઇટ છે અને મને આશા છે કે હું તેને પકડી શકીશ.
તેણે કહ્યું, મને આશા છે કે ફ્લાઇટ રદ્દ નહીં થાય. અહીંયા સ્થિતિ ખૂબ ડરામણી છે. હું તમને અપડેટ રાખીશ. મને આશા છે કે લોકો સુરક્ષિત છે. જોકે વીડિયોમાં નોરાએ તે લૉસ એંજિલસમાં કેમ હતી તેનો ખુલાસો કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે લૉસ એંજલસમાં લાગેલી ભીષણ આગમાં સેંકડો ઘર નાશ પામ્યા છે. જેમાં જેમી લી કાર્ટિસ, મૈંડી મૂર, પેરિસ હિલ્ટન, એડમ બ્રૉડી, યૂઝીન લેવી, એંથની હૉપકિંસ, બિલી ક્રિસ્ટલ, માઇલ્સ ટેલર, કેલી ટેલર અને અન્ના ફારિસ જેવી હસ્તીઓના ઘર સામેલ છે.