મુંબઈઃ આખો દેશ રેસલર વિનેશ ફોગાટ સાથે ઊભો છે અને સૌ કોઈ તેને હિંમત આપે છે અને તેની સાથે જે થયું તે બદલ નારાજગી અને રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે International Olympic Committee (IOC) ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પણ તેને હિંમત આપી છે.
નીતા અંબાણીએ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માંથી ડિસ્કવૉલિફાઈડ ઠેરવવા પર નિવેદન જારી કર્યું છે. IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કહ્યું છે કે વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.
નીતા અંબાણીએ જોમ ભરતા કહ્યું કે…
વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ગેરલાયક ઠેરવવામાં આવી છે. વિનેશ ફોગાટ 50 કિલો રેસલિંગ કેટેગરીમાં ફાઇનલમાં પહોંચી હતી. બુધવારે તેની ફાઇનલ મેચ રમવાની હતી. જો કે વિનેશ ફોગાટનું વજન 50 કિલોથી માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ ઘટના બાદ આખું ભારત દુઃખી અને આઘાતમાં છે. હવે IOC સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ આ સમગ્ર ઘટના અને વિનેશ ફોગાટ મામલે નિવેદન આપ્યું છે.
નીતા અંબાણીએ કહ્યું કે આજે આખો દેશ વિનેશ ફોગાટનું દર્દ અને દુ:ખ વહેંચી રહ્યો છે. વિનેશ એક ચેમ્પિયન ફાઈટર છે અને મને કોઈ શંકા નથી કે તે વધુ મજબૂત રીતે વાપસી કરશે.
આ પણ વાંચો : દિલથી દેશી કુસ્તીબાજ ધાકડ ગર્લ વિનેશ ફોગાટના દેશી રૂપ જોયા કે…..
નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે વિનેશે વારંવાર બતાવ્યું છે કે તેની તાકાત માત્ર જીતમાં જ નથી પરંતુ પ્રતિકૂળ સંજોગોને પાર કરવાની ક્ષમતામાં પણ રહેલી છે. વિનેશ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને યુવાન છોકરીઓ અને તેમના માતાપિતા માટે જે તેમને સપનાને પૂરાં કરવાની દ્રઢ શક્તિ ધરાવે છે. નીતા અંબાણીએ કહ્યું કે વિનેશ, તારી ઈચ્છાશક્તિ કોઈપણ મેડલ કરતા વધુ છે. અમે બધા તારી સાથે છીએ.
ભારત માટે ગોલ્ડની આશા પ્રબળ કરનારી વિનેશની આ રીતે બરતરફી દેશ પચાવી શક્યો નથી. આ મામલે તપાસ થાય તેવી માગણીઓ શેરીથી લઈ સાંસદ સુધી ઊઠી છે.