
પટણા: બિહારના કૈમુરમાં રવિવારે એક ગંભીર અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા, જેમાં ભોજપુરી ફિલ્મોના ગાયક સહિત બે જાણીતી ભોજપુરી અભિનેત્રીનું પણ મોત થયું હતું. રવિવારે કૈમુર જિલ્લામાં એક એસયુવી કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં નવ લોકોના મોત થતાં હતા, જેમાં ભોજપુરી ગાયક છોટુ પાંડેની સાથે અભિનેત્રી આંચલ તિવારી અને સિમરન શ્રીવાસ્તવનું પણ મૃત્યુ થયું હતું.
આ ઘટના બાબતે એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે રવિવારે સાંજે કૈમુર જિલ્લાના દેવકલી ગામ નજીક જીટી રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ સોમવારે જાહેર કરવામાં આવી હતી. આ નામોના ભોજપુરી ફિલ્મ જગતના અનેક કલાકારોનું નામ પણ હતું.
આ અકસ્માતમાં ભોજપુરી ગાયક વિમલેશ પાંડે ઉર્ફ છોટુ પાંડે, આંચલ તિવારી, સિમરન શ્રીવાસ્તવ, પ્રકાશ રામ, દધીબલ સિંહ, અનુ પાંડે, શશિ પાંડે, સત્ય પ્રકાશ મિશ્રા અને બાગીશ પાંડે આ ગાયકો અને એક્ટર્સનું મૃત્યુ થયું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે એક એસયુવી કારમાં બે મહિલાઓ સાથે બીજા આઠ લોક મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈકે કારને ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક અને કાર બંને બીજી તરફની લેનમાં લઈ ગયા હતા. આ દરમિયાન સામેથી આવતા એક ટ્રકે કાર અને બાઇકને ટક્કર મારતા તેમાં સવાર દરેક લોકોના મોત થયા હતા. જોકે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો, એવી માહિતી પોલીસે આપી હતી.