આ બે ફિલ્મની રિલિઝ ડેટ બદલાઈઃ પુષ્પા સાથે ટક્કર લેવા કોઈ તૈયાર નથી

આવતા સપ્તાહે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 રિલિઝ થશે. બાહુબલી પછી લગભગ આ બીજી પેન ઈન્ડિયા ફિલ્મ હશે તેના બીજા પાર્ટની લોકો આટલી આતુરતાથી રાહ જોતા હોય. પુષ્પાના ટીઝર, ટ્રેલર, એડવાન્સ બુકિંગ બધાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે ફિલ્મ રિલિઝ થયાની શરૂઆતમાં જ જબરી કમાણી કરશે તેમ માનવામાં આવે છે. મોટાભાગના થિયેટરોમાં પુષ્પા-2ના વધારે શૉ હશે ત્યારે તેને ટક્કર આપી શકે તેવી ફિલ્મએ પણ પોતાની રિલિઝ ડેટ પાછળ કરી છે.
વીક્કી કૌશલ અને પુષ્પા ફેમ રશ્મિકા મંદાનાની ફિલ્મ છાવાના નિર્માતાએ છાવાની રિલિઝ ડેટ બદલાવી છે. અગાઉ તે પણ છ ડિસેમ્બરે થિયેટરોમાં રિલિઝ થવાની હતી, પરંતુ હવે તે બે મહિના મોડી 14મી ફેબ્રુઆરી, 2025માં રલિઝ થશે. આ ફિલ્મમાં વિકી છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજનો રોલ કરી રહ્યો છે અને રશ્મિકા યેસુબાઈના રોલમાં છે.
બીજી બાજુ શાહીદ કપૂર અને પૂજા હેગડેને ચમકાવતી દેવા ફિલ્મની રીલિઝ ડેટ પ્રિ-પોન્ડ કરવામાં આવી છે અને હવે તે 31મી જાન્યુઆરી, 2025ના રોજ રિલિઝ થશે.
આ પણ વાંચો…શું ઐશ્વર્યા રાયે નામમાંથી બચ્ચન સરનેમ હટાવી?, લોકોએ કહ્યું- ‘છૂટાછેડા કન્ફર્મ..’!
છેલ્લા બે અઠવાડિયામાં ઈ વૉન્ટ ટુ ટૉક અને ધ સાબરમતી રિપોર્ટ રજૂ થઈ, પરંતુ બન્ને ફિલ્મો દર્શકો ખેંચી લાવવામાં સફળ રહી નથી.
હવે થિયેટરમાલિકો, વિતરકો, નિર્માતા અને દર્શકો પુષ્પા-2ની રાહ જોઈ રહ્યા છે. બીજા પાર્ટ પહેલા પુષ્પા-1 થિયેટરોમાં રિ-રિલિઝ કરવામાં આવી હતી, પરંતુ ધાર્યો બિઝનેસ કરી શકી નથી. ઘણીવાર સિક્વલ પાર્ટ પહેલા વીક એન્ડ કે અઠવાડિયે સારી કમાણી કરાવે છે, પરંતુ પછી ધીમી પડી જાય છે ત્યારે પુષ્પા-2 બૉક્સ ઓફિસ પર કેટલા કમાઈ શકે છે તે થોડા દિવસોમાં ખબર પડશે.