KBCમાં ગુજરાતના આ વિદ્યાર્થીથી નેટીઝન્સ થયા નારાજઃ બાળકોને થોડા સંસ્કાર આપવાની આપી દીધી સલાહ | મુંબઈ સમાચાર
મનોરંજન

KBCમાં ગુજરાતના આ વિદ્યાર્થીથી નેટીઝન્સ થયા નારાજઃ બાળકોને થોડા સંસ્કાર આપવાની આપી દીધી સલાહ

નવી દિલ્હી: લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની ૧૭મી સીઝન ચાલી રહી છે, જેની હોસ્ટિંગની કમાન સુપરસ્ટાર અમિતાભ બચ્ચને સંભાળી છે. જોકે, તાજેતરના એક એપિસોડમાં કંઈક એવું બન્યું કે ‘બિગ બી’ના ચાહકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. હકીકતમાં, શોમાં આવેલા ગુજરાતના એક બાળક, મયંકે હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે જે રીતે વાત કરી, તેનાથી દર્શકોને આશ્ચર્ય થયું હતું. જોકે, બચ્ચન સાહેબના શાંત અને ધીરજવાળા વલણે તેમના ચાહકોને ફરી એકવાર તેમના વખાણ કરવા મજબૂર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એક ‘X’ યુઝરે તો બાળકને સંસ્કાર શીખવવાની વાત પણ કહી દીધી હતી.

સીધા ‘પોઇન્ટ’ પર આવો!
છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો મયંક હોટ સીટ પર આવતા જ ઘણો ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. જ્યારે અમિતાભ બચ્ચને તેને પૂછ્યું કે અહીં આવીને કેવું લાગી રહ્યું છે, ત્યારે મયંકે કહ્યું, “હું ખૂબ ઉત્સાહિત છું સર, પણ સીધા પોઇન્ટ પર આવીએ. મને નિયમો ખબર છે, તમે સમજાવશો નહીં.” આ સાંભળીને બચ્ચન સાહેબ માત્ર સ્મિત કરીને શોની શરૂઆત કરે છે.

શરૂઆતના કેટલાક સવાલોના જવાબ મયંક ઝડપથી આપે છે, પરંતુ પાંચમા સવાલ પર તેનો ઓવરકોન્ફિડન્સ તેને ભારે પડ્યો હતો. સવાલ હતો: ‘વાલ્મીકિ રામાયણનો પહેલો કાંડ કયો છે?’ મયંકે વિચાર્યા વિના ‘અયોધ્યા કાંડ’ લોક કરી દીધો, જે ખોટો જવાબ હતો. સાચો જવાબ ‘બાલ કાંડ’ હતો. મયંક ‘સેફ્ટી નેટ’ (₹૧૦,૦૦૦) સુધી પહોંચ્યો ન હતો, તેથી તેને ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું. હાર્યા પછી મયંક રડવા લાગ્યો અને કહ્યું, “સર, હવે મને ફોટો નહીં મળે.” જ્યારે તેની સામે અમિતાભ બચ્ચને તેની સાથે ફોટો પડાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો
આ વીડિયો શેર કરતાં ‘X’ યુઝરે લખ્યું, “બાળકોને ભણાવો, લખાવો, પણ સાથે સંસ્કાર પણ શીખવો. જો હું બચ્ચન સાહેબની જગ્યાએ હોત તો કદાચ આટલી ગેરવર્તુણક સહન ન કરી શક્યો હોત.” અન્ય યુઝર્સે પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને મયંકના માતા-પિતાના ઉછેર પર સવાલો ઉઠાવ્યા હતા.

આપણ વાંચો:  કાંતારા ચેપ્ટર 1ની બોક્સ ઓફિસ પર ઘૂમ, સાઉથની સુપર હિટ ફિલ્મોને પણ છોડી પાછળ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button