ઈશાન ખટ્ટર, જાન્હવી કપૂર, વિશાલ જેઠવા અભિનીત આ ફિલ્મ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ; કરણ જોહરે આનંદ વ્યક્ત કર્યો

મુંબઈ: ભારતીય ફિલ્મ જગત માટે ખુશીના સમાચાર છે. નીરજ ઘાયવાન દિગ્દર્શિત અને ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મ હોમબાઉન્ડને ભારત તરફથી 98મા એકેડેમી એવોર્ડ્સ માટે મોકલવામાં આવી હતી, હવે આ ફિલ્મને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કેટગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકો ફિલ્મ મેકર્સને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભારતના અગ્રણી ફિલ્મ નિર્માતા કરણ જોહરે આનંદ વ્યક્ત કર્યો છે.
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ ગઈ કાલે મંગળવારે 12 કેટગરીમાં શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોની જાહેરાત કરી હતી. બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર કેટગરીમાં 15 ફિલ્મોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, જેમાં ભારતની હોમબાઉન્ડનો પણ સમાવેશ થાય છે.

હોમબાઉન્ડ ફિલ્મની વાર્તા:
હોમબાઉન્ડ બાળપણના મિત્રો શોએબ (ઈશાન ખટ્ટર) અને ચંદન (વિશાલ જેઠવા)ની મિત્રતા અને સામાજિક-રાજકીય પડકારો સામે તેમના સંઘર્ષની વાર્તા છે. આ ફિલ્મમાં ભારતીય સમાજમાં પ્રવર્તતી જાતીપ્રથા અને કોમવાદની માનસિકતા, બેરોજગારી, ગરીબી, ભ્રષ્ટાચાર, કોરોનાકાળ દરમિયાન સરકારની નિષ્ફળતા વગેરે બાબતોને વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં હૃદયસ્પર્શી દ્રશ્યો-સંવાદો દર્શકોને ભાવુક તો કરે જ છે, સાથે સાથે તેમને આપણી સમાજરચના અંગે વિચારતા પણ કરે છે.

કરણ જોહરે આનંદ વ્યક્ત કર્યો:
ધર્મા મૂવીઝના ઓફિશીયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર હોમબાઉન્ડ શોર્ટલિસ્ટ થઇ હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મના નિર્માણમાં મદદ કરનાર ફિલ્મ નિર્માતા કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આખી ટીમને અભિનંદન આપ્યા.
કરણ જોહરે લખ્યું, “હોમબાઉન્ડની સફરથી હું કેટલો ગર્વ, આનંદ અને ઉત્સાહ અનુભવી રહ્યો છું, એ હું વ્યક્ત કરી શકું એમ નથી. ધર્મા મુવીઝની ફિલ્મોગ્રાફીમાં આ ફિલ્મનો સમાવેશ થવોએ ગર્વની વાત છે. અમારા સપનાઓને સાકાર કરવા બદલ નીરાજ ઘાયવાનનો આભાર… કાન્સથી લઈને ઓસ્કાર શોર્ટલિસ્ટમાં આવવા સુધીની આ સફર શાનદાર રહી છે! આ ખાસ ફિલ્મના સમગ્ર કલાકારો અને ક્રૂ અને ટીમોને પ્રેમ!!!!!!!!!”
આ ફિલ્મો પણ શોર્ટલિસ્ટેડ:
ઇન્ટરનેશનલ ફીચર કેટગરીમાં શોર્ટલિસ્ટ થયેલી 15 ફિલ્મો ભારતની હોમબાઉન્ડ ઉપરાંત, આર્જેન્ટિનાની બેલેન, બ્રાઝિલની ધ સિક્રેટ એજન્ટ, ફ્રાન્સની ઇટ વોઝ જસ્ટ એન એક્સિડેન્ટ, જર્મનીની સાઉન્ડ ઓફ ફોલિંગ, ઇરાકની ધ પ્રેસિડેન્ટ્સ કેક, જાપાનની કોકુહો, જોર્ડનની ઓલ ધેટસ લેફ્ટ ઓફ યુ, નોર્વેની સેન્ટિમેન્ટલ વેલ્યુ, પેલેસ્ટાઇનની પેલેસ્ટાઇન 36, દક્ષિણ કોરિયાની નો અધર ચોઇસ, સ્પેનની સિરાટ, સ્વિટ્ઝર્લૅન્ડની લેટ શિફ્ટ, તાઇવાનની લેફ્ટ-હેન્ડેડ ગર્લ અને ટ્યુનિશિયાની ધ વોઇસ ઓફ હિંદ રજબને શોર્ટલીસ્ટ કરવામાં આવી છે,
પાંચ ફિલ્મોબને પસંદ કરવામાં આવશે:
98મા એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવેલી આ ફિલ્મોમાંથી પાંચ ફિલ્મોને નોમીનેશન માટે પસંદ કરવામાં આવશે. ફાઈનલ નોમિનેશન 22 જાન્યુઆરી 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.
98મા એકેડેમી એવોર્ડ્સ સમરોહનું આયોજન 15 માર્ચે કરવામાં આવ્યું છે, કોમેડિયન કોનન ઓ’બ્રાયન આ સમરોહના હોસ્ટ હશે.
આપણ વાંચો: હવે કિંજલ દવેનો ભૂતપૂર્વ ફિયાન્સ પવન મેદાનમાં, જાણો સોશિયલ મીડિયા પર શું લખ્યું ?



