ગોવિંદા અને નીલમ કોઠારી વચ્ચે ખરેખર અફેર હતું? વર્ષો પછી અભિનેત્રીએ મૌન તોડ્યું

મુંબઈ: બોલીવુડમાં કલાકારો પચાસ પછી 60-70 વર્ષના પછી અફેરને લઈ ચર્ચામાં રહે છે, જેમાં 63 વર્ષના ગોવિંદા માટે હવે નવી વાત જાણવા મળી છે. પોતાની ફિલ્મો અને ડાન્સથી લોકોની દિલમાં જગ્યા બનાવનાર ગોવિંદા પાછલા ઘણા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચાઓનું કેન્દ્ર બની રહ્યા છે. એક તરફ તેમની પત્ની સુનીતા આહુજાના નિવેદનો ચર્ચામાં રહે છે, ત્યારે બીજી તરફ 90ના દાયકાની ફેમસ એક્ટ્રેસ નીલમ કોઠારી સાથેના તેમના જૂના અફેરની વાતો ફરી વહેતી થઈ છે. દાયકાઓ પહેલા બંનેના લગ્નની અફવાઓ પણ ઉડી હતી, જે મુદ્દે હવે વર્ષો પછી નીલમ કોઠારીએ જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન નીલમ કોઠારીને ગોવિંદા સાથેના સંબંધો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ સવાલ સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતા નીલમે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અરે બાપ રે, આ કોણે કહ્યું? ગોવિંદાજી ખૂબ જ સારા વ્યક્તિ છે, પરંતુ અમારી વચ્ચે કંઈ જ નહોતું.” નીલમે ઉમેર્યું કે તેઓએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેઓ એકબીજાના કામનો આદર કરે છે, પરંતુ અફેરની વાતોમાં કોઈ તથ્ય નથી. તેણે આ તમામ દાવાઓને સદંતર નકારી કાઢ્યા છે.
તે સમયની પત્રકારત્વ શૈલી વિશે વાત કરતા નીલમે જણાવ્યું કે તે જમાનામાં કલાકારો પ્રેસ અને મીડિયાથી ખૂબ ડરતા હતા. જો કોઈ હીરો-હીરોઈન સતત 2-3 ફિલ્મો સાથે કરે, તો મીડિયા માની લેતું કે તેમની વચ્ચે અફેર ચાલી રહ્યું છે. નીલમના મતે, તે સમયે સોશિયલ મીડિયા નહોતું કે કોઈ સ્પષ્ટતા કરી શકાય, અને જે છપાતું તે લોકો સાચું માની લેતા. કલમની તાકાત એટલી હતી કે કલાકારો પોતાના બચાવમાં કંઈ પણ બોલતા અચકાતા હતા.
નીલમે આ અફવાને ભલે નકારી કાઢી હોય, પરંતુ ભૂતકાળમાં ગોવિંદાએ ‘સ્ટારડસ્ટ’ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલાત કરી હતી કે તેઓ નીલમના પ્રેમમાં હતા. ગોવિંદાએ સ્વીકાર્યું હતું કે તેઓ નીલમ સાથે લગ્ન કરવા માંગતા હતા અને તે માટે તેમણે સુનીતા સાથેની પોતાની સગાઈ પણ તોડી નાખી હતી. ગોવિંદાના મતે જો સુનીતાએ ફરી ફોન કરીને તેમને મનાવ્યા ન હોત તો આજે તેઓ નીલમનો પતિ હોત. ગોવિંદાએ નીલમને એક એવી મહિલા ગણાવી હતી જેના પ્રેમમાં કોઈ પણ પડી શકે. આમ એક જ વાતને લઈ બે અલગ અલગ મત સામે આવવાથી ફરી ગોવિંદાના ફેન્સમાં ચર્ચાએ જોર પકડ્યું છે.



