લગ્ન પ્રસંગે દેખાવું છે એલિગન્ટ? નવ્યા નવેલી નંદાના આ આઉટફિટમાંથી લો ટિપ્સ…

મુંબઈ: જ્યારે પણ લગ્ન કે પાર્ટીની વાત આવે ત્યારે મોટાભાગની મહિલાઓ ભારે સાડી કે લહેંગા પસંદ કરતી હોય છે, પરંતુ નવ્યા નવેલી નંદાએ તાજેતરમાં એક એવો શરારા સેટ પસંદ કર્યો છે જે સ્ટાઈલિશ હોવાની સાથે અત્યંત લાઇટવેઇટ પણ છે. આ આઈવરી કલરનો શરારા સેટ પરંપરાગત અને ટ્રેન્ડિંગ લુકનું મિશ્રણ છે. ફેશનેબલ દેખાવાની સાથે કમ્ફર્ટ જાળવી રાખવા માંગતી યુવતીઓ માટે આ ડિઝાઇન બેસ્ટ ઓપ્શન છે. આ આઉટફિટ જાણીતા લેબલ ‘તમન્ના પંજાબી કપૂર’ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેની કિંમત અંદાજે ₹73,500 છે, પરંતુ તમે આ પ્રકારનો લુક બજેટમાં પણ તૈયાર કરાવી શકો છો.
નવ્યાના આ આઉટફિટમાં સૌથી આકર્ષક તેનું ‘હોલ્ટર નેકલાઇન’ અને ‘કોર્સેટ ડિઝાઇન’ વાળું બ્લાઉઝ છે. આ ડિઝાઇન શોલ્ડર અને કોલર બોનને હાઇલાઇટ કરે છે. ટોપ પર સિક્વિન્સ, દોરી અને જરદોશીનું બારીક કામ કરવામાં આવ્યું છે, જે આઈવરી કલરને વધુ નિખારે છે. તેની સાથે તેણે હાઈ વેસ્ટ શરારા પહેર્યો છે, જે જોર્જેટ ફેબ્રિકમાંથી બનેલો છે. આ શરારામાં રેશમ, કટ દાના અને મોતીનું એમ્બ્રોઈડરી કામ હોવા છતાં તે પહેરવામાં ખૂબ જ હળવો છે. હાઈ વેસ્ટ ડિઝાઇનને કારણે તેમાં ઊંચાઈ પણ વધારે દેખાય છે.
શરારા સેટ સાથે જો યોગ્ય જ્વેલરી પહેરવામાં આવે તો લુક વધુ નિખરે છે. નવ્યાના આ એલિગન્ટ લુકને ફોલો કરવા માટે તમે નાના સ્ટડ્સ અથવા પર્લ ઇયરિંગ્સ પસંદ કરી શકો છો. જો બ્લાઉઝની નેકલાઇન હોલ્ટર હોય, તો ગળામાં કંઈ ન પહેરવું વધુ સારું લાગે છે, પરંતુ જો નેકલાઇન બ્રોડ હોય તો ચોકર નેકલેસ એક સરસ ચોઈસ બની શકે છે. આ સિવાય હાથમાં સિમ્પલ બ્રેસલેટ અને રિંગ્સ પહેરીને તમે તમારા લુકને કમ્પ્લીટ કરી શકો છો.
જો તમારે આ આધુનિક શરારા સેટને સંપૂર્ણ દેશી લુક આપવો હોય, તો તેની સાથે દુપટ્ટો જોડી શકાય છે. જો તમારો શરારા સેટ હેવી વર્ક વાળો હોય, તો તેની સાથે નેટનો લાઇટવેઇટ દુપટ્ટો સુંદર લાગશે. આનાથી ઉલટું, જો આઉટફિટ સાદો હોય તો હેવી વર્ક વાળો દુપટ્ટો પહેરવાથી આખું લુક બદલાઈ જશે અને તે વધુ ફેન્સી દેખાશે. આ રીતે તમે એક જ આઉટફિટને અલગ-અલગ ફંક્શનમાં અલગ-અલગ રીતે સ્ટાઇલ કરી શકો છો.



