National Youth Day 2026: યુવાનોમાં જોશ અને આત્મવિશ્વાસ ભરી દેશે આ બોલીવુડ ફિલ્મો…

દર વર્ષે 12 જાન્યુઆરીએ ભારતભરમાં સ્વામી વિવેકાનંદની જયંતીને ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1984માં ભારત સરકારે આ દિવસની જાહેરાત કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશના યુવાનોને સશક્ત અને જાગૃત કરવાનો છે. સ્વામીજી હંમેશા કહેતા કે “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.” આ જ વિચારધારાને બોલીવુડના રૂપેરી પડદે અનેક ફિલ્મોએ સચોટ રીતે રજૂ કરી છે. આજે આ ખાસ દિવસે અમે તમને એવી ફિલ્મો વિશે જણાવીશું જે દરેક યુવાનના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
રંગ દે બસંતી – આમિર ખાન, શરમન જોશી, સિદ્ધાર્થ અને કુણાલ કપૂર અભિનીત, “રંગ દે બસંતી” યુવાનોમાં દેશભક્તિ જગાડે છે અને તેમને સિસ્ટમની ખામીઓ સામે લડવા માટે પ્રેરણા આપે છે. આ ફિલ્મ શીખવે છે કે જો તમે બધું ચૂપચાપ સહન કરશો, તો એક દિવસ તમે ખાલી હાથે જશો.

12th ફેલ – તાજેતરમાં ખુબ હિટ થયેલી આ ફિલ્મ ચંબલના એક ગરીબ પરિવારમાંથી આવતા IPS ઓફિસર મનોજ કુમાર શર્માની હકીકત પર બનાવવામાં આવેલી સ્ટોરી છે. 12મું ધોરણ પાસ કર્યા પછી, તે IPS ઓફિસર બનવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. દરેક યુવાને આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.

લક્ષ્ય – ઋત્વિક રોશન અભિનીત આ ફિલ્મ દરેક યુવાન માટે જોવા જેવી છે. તે એક એવા યુવાનની સ્ટોરી છે જેના જીવનમાં કોઈ ધ્યેય નથી. પરંતુ પછી, તેના મનમાં એક વિચાર તેના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે.

ચક દે ઈન્ડિયા – શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ “ચક દે ઈન્ડિયા” એક એવા કોચની સ્ટોરી બતાવે છે. જે મહિલા હોકી ટીમને ટ્રેનિંગ આપે છે અને ઇતિહાસ રચે છે. આ ફિલ્મ રમત પ્રેમીઓ અને છોકરીઓને રમતગમતમાં જોડાવા માટે પ્રેરણા આપે છે.

ગલી બોય – રણવીર સિંહ અભિનીત આ ફિલ્મ તમારા સપનાઓને પૂરા કરવાનો મહત્વનો ઉપદેશ આપે છે. મુંબઈની ઝૂંપડપટ્ટીનો એક છોકરો રેપર બનવાના પોતાના સપાને પૂર્ણ કરવા માટે ગરીબી અને સામાજિક મર્યાદાઓને કેવી રીતે દૂર કરે છે તેની હૃદયસ્પર્શી સ્ટોરી છે.

જિંદગી ના મિલેગી દોબારા – ઋતિક રોશન, અભય દેઓલ અને ફરહાન અખ્તર અભિનીત આ ફિલ્મ ત્રણ મિત્રોની આસપાસ ફરે છે. આ ફિલ્મ આપણને શીખવે છે કે માત્ર કામ અને કરિયર જ બધું નથી, પણ પોતાની સાથે સમય વિતાવવો અને સપનાઓને પૂરા કરવા પણ એટલા જ જરૂરી છે. ત્રણ મિત્રોની રોડ ટ્રીપ દ્વારા આ ફિલ્મ સંદેશ આપે છે કે જે પણ ક્ષણ તમારી પાસે છે તેને મન ભરીને જીવી લો.

3 ઇડિયટ્સ – આમિર ખાન, શરમન જોશી, આર માધવન અને કરીના કપૂર અભિનીત આ ફિલ્મ આપણને કહે છે કે બીજાઓ દ્વારા બનાવેલા નિયમોનું ચુપચાપ પાલન કરવાને બદલે, તમને જે ગમે છે તે કરવું વધુ સારું છે અને ત્યારે જ તમે સફળતાનો આનંદ માણી શકો છો. આ યુવા દિવસ નિમિત્તે આ ફિલ્મ તમને ફરીથી ‘જીવંત’ થવાની પ્રેરણા આપશે.




