રાષ્ટ્રીય પ્રેસ દિવસ: બોલીવુડના આટલા કલાકારોએ મોટા પડદા પર પત્રકારના પાત્રને જીવંત કર્યું!

પ્રીતિ ઝિન્ટા, રાની મુખર્જી, આલિયા ભટ્ટ, કાર્તિક આર્યન સહિતના સ્ટાર્સે પત્રકારની ભૂમિકા ભજવીને મીડિયાની તાકાત દર્શાવી.
મુંબઈ: ભારતના લોકતાંત્રિક સમાજમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના સન્માન માટે દર વર્ષે 16 નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. 16 નવેમ્બર 1966થી ભારતીય પ્રેસ પરિષદ દ્વારા તેમનું સતાવાર કાર્ય શરૂ કરેલ ત્યારથી દર વર્ષે આજે પ્રેસ ડેની ઉજવણી કરાય છે.
આ અવસર પર અમે તમને બોલીવુડના કેટલાક પ્રખ્યાત કલાકારો વિશે જણાવીએ, જેણે મોટા પડદા પર પત્રકારના કિરદારને જીવંત કરીને દર્શકોનો ખૂબ પ્રેમ મેળવ્યો હતો. આ કલાકારોમાં પ્રીતિ ઝિન્ટા, રાની મુખર્જીથી લઈને આલિયા ભટ્ટ જેવા નામોનો સમાવેશ થાય છે, જેણે પત્રકારત્વની તાકાત અને પડકારોને મોડા પડદા દર્શાવીને પત્રકારની મહત્વની ભૂમિકા લોકો સુધી પહોંચાડી છે.
બોલીવુડમાં પત્રકારના કિરદારને અલગ-અલગ કલાકારોએ વિવિધ ફિલ્મોમાં નિભાવીને પત્રકારિતાની વાસ્તવિકતા દર્શાવી છે. આ કલાકારોના અભિનયથી ફિલ્મોમાં સમાજમાં મીડિયાની ભૂમિકા અને તેની તાકાતને ઉજાગર કરવામાં આવી છે. તેમના કિરદારોમાંથી પત્રકારોની નીડરતા, સત્યની શોધ અને નૈતિક મુશ્કેલીઓ જેવા પાસાઓને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે.

આ યાદીમાં પહેલુ નામ પ્રીતિ ઝિન્ટાનું આવે છે. જેની 2004માં આવેલી ફિલ્મ લક્ષ્યમાં રોમિલા દત્તા નામના નીડર રિપોર્ટરની ભૂમિકા ભજવી હતી. તેણે કારગિલ યુદ્ધ દરમિયાન ફ્રન્ટલાઈન પર કામ કરતી પત્રકાર તરીકે પોતાના અભિનયથી દર્શકોનો ખૂબ પ્રેમ મેળવ્યો હતો.

જ્યારે રાની મુખર્જીએ ‘નો વન કિલ્ડ જેસિકા’માં મીરા ગેટી નામની સાહસિક ટીવી ક્રાઈમ રિપોર્ટરનું કિરદાર નિભાવ્યું હતું, જે જન આક્રોશને આગળ વધારીને ન્યાય માટે મીડિયાની તાકાતનો ઉપયોગ કરે છે અને સમાજમાં પરિવર્તન લાવવાની ક્ષમતા દર્શાવે છે.

કરીના કપૂર ખાને ‘સત્યાગ્રહ’માં યાસ્મીન અહમદ નામના પત્રકારની ભૂમિકા નિભાવી હતી, જે ભ્રષ્ટાચારને ઉજાગર કરીને સત્યને લોકો સમક્ષ લાવવામાં વિશ્વાસ રાખે છે. તેના આ કિરદાર માટે આજે પણ તેની પ્રશંસા થાય છે.

કાર્તિક આર્યન, જે સામાન્ય રીતે કોમેડીથી દર્શકોને હસાવે છે, તેણે ‘ધમાકા’માં અર્જુન પાઠક નામના ન્યૂઝ એન્કરનું કિરદાર નિભાવ્યું હતું. ફિલ્મમાં તે એક એવા પત્રકાર તરીકે દેખાય છે જે નૈતિક ફરજની મુશ્કેલીઓના વંટોળમાં ફસાઈ જાય છે. આ ફિલ્મમાં કાર્તિકનું કરિયર એક બ્રેકિંગ ન્યૂઝ બદલી નાખે છે.

આલિયા ભટ્ટે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રાની ચેટર્જીની ભૂમિકા ભજવી હતી. તે આ ફિલ્મમાં એક સ્ટાઈલિશ અને મિલનસાર ટેલિવિઝન ન્યૂઝ એન્કર તરીકે જોવા મળી હતી. રાનીનું પાત્ર બંગાળી સંસ્કૃતિ અને આધુનિક વિચારધારાનું મિશ્રણ દર્શાવે છે, જે ફિલ્મની વાર્તાને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેની અભિનય શૈલી અને દેખાવને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

અનુષ્કા શર્માએ આમિર ખાન સ્ટારર ‘પીકે’માં જગ્ગુ નામની મહત્વાકાંક્ષી પત્રકારનો અભિયન ભજવ્યો હતો, જે એલિયન પીકેને તેનું યંત્ર શોધવામાં મદદ કરે છે તેમ જ વિક્રાંત મેસીએ 2024માં આવેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’માં સમર કુમાર નામના હિન્દી પત્રકારની ભૂમિકા નિભાવી હતી, જે ગોધરા કાંડનું સત્ય જાણવા માટે સંઘર્ષ કરે છે.



