આ એક્ટરને કામ તો જોઈએ છે પણ તેમાં પણ conditions apply
ફિલ્મ, ટેલિવિઝન, એડ કરી ચૂકેલા એક અભિનેતાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આમ તો તે વીડિયોમાં પોતે કામ કરવા ઈચ્છતા હોય અને કામની તલાશમાં હોય તેમ કહ્યું છે, પરંતુ સાથે શરત પણ મૂકી છે. આ actorનું નામ છે નાસિર ખાન (Nasir Khan). તમે એને ઘણી ટીવી સિરિયલ અને બાગબાન, ચૉક એન્ડ ડસ્ટર જેવી ફિલ્મમાં જોયો છે. આ અભિનેતા એક સમયે ટીવીની ઘણી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા કરતો પણ જોવા મળ્યો છે. હવે તેણે પોતાના માટે કામ માગતો એક વીડિયો શેર કર્યો છે.
આ વીડિયોમાં તેણે કાસ્ટિંગ ડિરેક્ટરને કહ્યું છે કે તેમની પાસે નાસિરને લાયક કોઈ કામ હોય તો જણાવે. જોકે તેણે એવી શરત મૂકી છે કે તે હવે કોઈ ઓડિશનમાં આવશે નહીં. તેણે કહ્યું કે ઓડિશન્સમાં આવવાની મારામાં તાકાત કે હિંમત રહી નથી. હવે હું સાબિત નહીં કરું કે હું સારો એક્ટર છું, જો તમને લાગતું હોય કે હું સારું કામ કરી શકુ છું તો તમે મને કાસ્ટ કરો, હું મારા કામથી આ પુરવાર કરી દઈશ.
ફિલ્મ કે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ખાસ જાણતા હશે કે મોટી ફિલ્મો કરી ચૂકેલા કલાકારોએ પણ વારંવાર ઓડિશન અને સ્ક્રીન ટેસ્ટ આપવા પડતા હોય છે. ઘણા કલાકારોએ આ મામલે અણગમો વ્યક્ત કર્યો છે. એકવાર એક કલાકારે એક રોલમાં સારો અભિનય કરી પૂરવાર કર્યું હોય પછી તેણે વારંવાર એક-બે મિનિટના ઓડિશનથી આ વાત પુરવાર કરવાની રહેતી નથી. અગાઉ આ રીતે જ કામ થતું હતું, પરંતુ આજકાલ કલાકારોએ જે તે રોલ માટે ઓડિશન આપવા તૈયાર રહેવું પડે છે. આથી નાસિરે પહેલેથી જ ચોખવટ કરવાનું ઠીક સમજયું હશે.
તમને જણાવી દઈએ કે નાસિર ખાન જૂના જમાનાના ખૂબ જ જાણીતા કૉમેડિયન જ્હોની વૉકરનો દીકરો છે. જોકે તેણે આ વાતનો લાભ ન લેવા અને પોતાના મેળે ઓળખ બનાવવાનું પસંદ કર્યું છે, આથી આટલા વર્ષો બાદ પણ ઘણાને ખબર નહીં હોય કે તેના પિતા સિનેમાજગતના ઘણા ખ્યાતનામ કલાકાર રહી ચૂક્યા છે. ખેર, હવે નાસિરને ઓડિશન વિના કામ મળે છે કે નહીં તે જોવાનું રહેશે.