chicken first or egg?: આવા અઘરા સવાલનો જવાબ આ અભિનેત્રીએ આપ્યો, જૂઓ વીડિયો
બ્યુટી પિજન્ટ જીતવી એ નાનીસુની વાત નથી હોતી. માત્ર દેખાવ અને કેટવૉક કરવાથી તાજ મળતા નથી, ઘણી મહેનત કરવી પડે છે અને બ્યુટી સાથે બ્રેઈન હોવાની પણ સાબિતી આપવી પડે છે. ઘણીવાર સાદા સીધા સરળ કે સ્પર્ધકના મનની વાત કહેવાની તક મળે તેવા સવાલો હોય છે જ્યારે ક્યારેક ટ્રિકી કે ફની સવાલો હોય છે, પરંતુ તેના સુંદર જવાબોની અપેક્ષા હોય છે.
વર્ષ 1993માં યોજાયેલી મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં આવો જ એક સવાલ પૂછાયો હતો જેનો જવાબ આપવાનું સૌની માટ અઘરું જ છે. વિજ્ઞાને પોતાની રીતે જવાબ શોધ્યો છે, પણ છતાં આ સવાલ વણઉકેલાયા જેવો છે. મુરઘી સે પહેલે અંડા યા અંડે સે પહેલે મુરઘી. પહેલા ઈંડામાંથી મરઘી નીકળી તો ઈંડા કોણે આપ્યા અને પહેલા મરઘી આવી તો તે કયા ઈંડામાંથી આવી. ખૈર, સવાર સવારમાં તમને મગજની કસરત કરાવવાનો કોઈ ઈરાદો નથી, આ તો એક વીડિયો વાયરલ થયો એટલે યાદ આવ્યું. આ વીડિયો વાયરલ થવાનું કારણ છે 1993ની મિસ ઈન્ડિયા નમ્રતા શિરોડકર.
આજે નમ્રતાનો 53મો જન્મદિવસ છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે અને તેની સાથે જોડાયેલી યાદો પણ. નમ્રતાએ 2005માં સાઉથ સુપરસ્ટાર મહેશબાબુ સાથે લગ્ન કર્યા બાદ અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું હતું. હાલમાં તે બે સંતાન ગૌતમ ક્રિષ્ણા અને સિતારાની માતાની જવાબદારી નિભાવે છે, પરંતુ સાથે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેના પાંચ લાખ કરતા વધારે ફોલોઅર્સ છે.
નમ્રતાને કોન્ટેસ્ટમાં પૂછવામાં આવ્યું હતું કે પહેલા મરઘી કે ઈંડુ. આ એક સવાલ ત્રણેય રનર્સ અપને પૂછવામાં આવ્યો હતો. નમ્રતાએ શું જવાબ આપ્યો તે જોવા તમારે તેનો ઈન્સ્ટા વીડિયો જોવો પડશે.
Also read: અનન્યા પાંડેએ મિનિ ડ્રેસ પહેરીને કંઈક એવી કરી એડ કે ટ્રોલ થઈ, શું છે મામલો?
નમ્રતાએ સલામાન ખાનની ફિલ્મ જબ પ્યાર કિસીસે હોતા હૈમાં નાનો રોલ કરી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ વાસ્તવ, પુકાર, કચ્ચે ધાગે, અસ્તિત્વ, દિલ બિલ પ્યાર વ્યાર વગેરેમાં કામ કર્યું. તેણે સાથે સાઉથ ફિલ્મો પણ કરી હતી. 2000માં તેણે વામસી નામની તેલુગુ ફિલ્મ સાઈન કરી હતી અને તેના સેટ પર જ તે મહેશબાબુને મળી હતી. એકદમ હેન્ડસમ લાગતા મહેશબાબુ અને મિસ ઈન્ડિયા નમ્રતા શિરોડકર એકબીજાના પ્રેમમાં પડ્યા અને 5 વર્ષ ડેટ કર્યા બાદ 2005માં પરણી ગયા. જોકે આ પ્રેમમાં મોટો ત્યાગ અન્ય મહિલાઓની જેમ નમ્રતાએ જ કરવાનો આવ્યો. એક ઈન્ટરવ્યુમાં નમ્રતાએ કહ્યું હતું કે મહેશબાબુની ઈચ્છા ન હતી કે તે લગ્ન બાદ એક્ટિંગ કરે તેથી તેણે એક્ટિંગ છોડી દીધી હતી.
જોકે નમ્રતા આજે પણ એટલી જ સુંદર દેખાય છે અને નૉ-મેક અપ લૂકમાં પણ પોતાના ફોટા પોસ્ટ કરતા ખચકાતી નથી. તેની દીકરી સિતારા પણ ખૂબ સુંદર છે અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. નમ્રતાની બહેન શિલ્પા શિરોડકરે લાંબા અંતર બાદ બિગ બૉસમાં ભાગ લઈ સારી લોકપ્રિયતા મેળવી છે ત્યારે નમ્રતાના ફેન્સની પણ ઈચ્છા છે કે તે ફરી રૂપેરી પડદે દેખાય.
નમ્રતાને ખૂબ ખૂબ શુભેચ્છા.