મનોરંજન

રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ: બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, પોલીસ એક્શનમાં…

મુંબઈ: ગયા વર્ષે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કર્યા પછી આ વર્ષે રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ કર્યાના અહેવાલથી મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. શહેરના પોશ ગણાતા જુહુ વિસ્તારમાં રવિવારની વહેલી સવારે ફાયરિંગના અહેવાલને લઈ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના નિવાસસ્થાન ‘શેટ્ટી ટાવર’ની બહાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. બોલીવુડમાં પોતાની એક્શન ફિલ્મો માટે જાણીતા રોહિત શેટ્ટીના ઘર પર થયેલા આ હુમલાએ મહારાષ્ટ્ર પોલીસ અને સુરક્ષા એજન્સીને દોડતી કરી દીધી છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ફિલ્મી જગતમાં ભયનો માહોલ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બાઇક પર આવેલા બે હુમલાખોરોએ બિલ્ડિંગને નિશાન બનાવીને અંદાજે 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના સમયે રોહિત શેટ્ટી પોતાના ઘરમાં જ હાજર હતા. ફાયરિંગના થોડા સમય બાદ જ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ હુમલાની જવાબદારી સ્વીકારવામાં આવી છે. શુભમ લોનકર અને આરઝૂ બિશ્નોઈના નામે ચાલી રહેલા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે કે આ તો માત્ર એક “ટ્રેલર” છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં રોહિત શેટ્ટીને સીધી ચેતવણી આપતા લખવામાં આવ્યું છે કે, “અમે તેને વારંવાર અમારા કામમાં દખલ ન કરવા કહ્યું હતું, પણ તે સમજ્યો નહીં. જો હવે તે નહીં માને, તો નેક્સ્ટ ગોળી ઘરની બહાર નહીં પણ તેના બેડરૂમમાં છાતીમાં વાગશે.” આ પોસ્ટમાં બાબા સિદ્દીકીની હત્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફફડાટ વ્યાપી ગયો છે. બિશ્નોઈ ગેંગે તમામ કલાકારોને “સુધરી જવાની” ખુલ્લી ધમકી આપી છે.

મુંબઈ પોલીસે આ મામલાને અત્યંત ગંભીર ગણીને તપાસ માટે 12 સ્પેશિયલ ટીમોની રચના કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પુણેથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી કારતૂસના ખોખા અને અન્ય પુરાવા એકત્ર કર્યા છે. હાલમાં જુહુ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય મોટા કલાકારોની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે.

આ હુમલાએ વર્ષ 2024માં સલમાન ખાનના ઘર બહાર થયેલા ફાયરિંગની યાદ તાજી કરાવી દીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે રોહિત શેટ્ટી દ્વારા બિશ્નોઈ ગેંગના કયા કામમાં “દખલ” કરવામાં આવી હતી જેનો ઉલ્લેખ પોસ્ટમાં છે. આ ઘટના બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ ગઈ છે અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કને તોડવા માટે વધુ કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button