મનોરંજન

વર્લી મેટ્રો સ્ટેશન પર દિવ્યાંગ કોમેડિયનને થયો કડવો અનુભવ: વીડિયો શેર કરીને જણાવી વ્યથા

મુંબઈ: માયાનગરી મુંબઈની મેટ્રો ટ્રેનની સુવિધાનો અનેક મુંબઈગરાઓ ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં મુંબઈના એક મેટ્રો સ્ટેશન પર પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. પાયાની સુવિધાના અભાવના કારણે કર્ણ શાહ નામના દિવ્યાંગ કોમેડિયનને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.

કોઈ પણ કોલ ઉઠાવી રહ્યું નથી

વર્લી મેટ્રો સ્ટેશન પર કોમેડિયન કર્ણ શાહને કડવો અનુભવ થયો છે. પોતાના અનુભવને કર્ણ શાહે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કર્ણ શાહે જણાવ્યું છે કે, “હું વર્લી મેટ્રો સ્ટેશન પર છું અને અહીંની લિફ્ટ કામ નથી કરી રહી.

હું 45 મિનિટ કરતાંય વધારે સમયથી અહીં ઊભો છું. દુર્ભાગ્યવશ, વર્લીમાં ફક્ત એક જ લિફ્ટ કામ કરી રહી છે. હું તેમના ઇમરજન્સી નંબર પર કોલ કરી રહ્યો છું. મેં લગભગ બે-ત્રણ વાર કોલ કર્યો છે. તે કહે છે કે અમે તમને કોઈ સાથે વાત કરાવી દઈશું. પરંતુ કોલ ફક્ત બે સેકન્ડ સુધી ચાલે છે અને પછી આપમેળે કટ થઈ જાય છે. ઈમરજન્સી નંબરો પર કોઈ પણ કોલ ઊઠાવી રહ્યું નથી.”

મારા જીવનની આ ભયાનક રાત છે

હેલ્પલાઈન નંબર પરથી પણ કર્ણ શાહને કોઈ મદદ મળી ન હતી. હેલ્પલાઈન નંબર પરથી મળેલા જવાબ અંગે કર્ણ શાહે વીડિયોમાં જણાવ્યું છે કે, “તમે ઘરે ચાલતા જતા રહો. મને બસ આ જવાબ મળે છે. તે સમયે મેન રોડ પર કાર, સાયકલ અને બસ ચાલી રહી હતી અને તેઓ મારી પાસે આશા રાખે છે કે હું મારી વ્હીલચેર પર વર્લીથી દાદર સુધી જાઉ.હું હવે રસ્તા પર છું અને મને ટોઈલેટ જવાની તીવ્ર ઈચ્છા છે. અહીંયા કશુ પણ સુલભ નથી. અહીં કોઈ શૌચાલય નથી કે જ્યાં વ્હીલચેર જઈ શકે. હવે હું પાછો ઘરે જઈ રહ્યો છું. મને સમજાતું નથી કે શું કહું. મને લાગે છે કે આ મારા જીવનની સૌથી ભયાનક રાત રહી છે.”

કર્ણ શાહે વીડિયોના અંતે જણાવ્યું કે, “આજે રાત્રે મને એટલા માટે બીક નથી લાગતી કારણ કે હું દિવ્યાંગ છું. મને એટલા માટે બીક લાગે છે કારણ કે વ્યવસ્થાએ મને દરેક પગલે નિરાશા મળી છે. સુલભતા કોઈ લક્ઝુરિયસ માળખું નથી. આ એક પાયાની માનવીય ગરિમા છે.”

ભારત વ્હીલચેર માટે અનુકૂળ નથી

દિવ્યાંગ કોમેડિયન કર્ણ શાહને પડેલી હાલાકીના વીડિયોને લઈને યુઝર્સે કર્ણ પ્રત્યે સંવેદના અને તંત્ર પર રોષ વ્યક્ત કર્યો છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, “તમારા હાથ ધ્રુજી રહ્યા છે. હે ભગવાન, આ જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા, હું સમજી શકું છું કે, તમે કેટલી એકલતાનો અનુભવ કર્યો છે.” બીજા એક યુઝરે લખ્યું છે કે, “ભાઈ, આપણને સૌને આ બધા માંથી પસાર થવું પડી રહ્યું છે. જેનું મને દુ:ખ છે. આશા છે કે આ દેશ સુલભતા પ્રત્યે જાગૃત થશે અને જીવનના મહત્ત્વને સમજશે.” ત્રીજા એક યુઝરે લખ્યું કે, “ભારત હજુ સુધી વ્હીલચેર માટે અનુકૂળ નથી. તમારે આ બધા માંથી પસાર થવું પડ્યું, તેના માટે મને ખેદ છે.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button