Mufasa The Lion King review: 90ની હિન્દી ફિલ્મોની યાદ અપવાશે આ લૉસ્ટ એન્ડ ફાઉન્ડની સ્ટોરી
નિરુપા રોયથી સંતાનો છુટ્ટા પડી જાય અને પછી ઠોકરો ખાતા ખાતા ક્યાંક અંતમાં મા-સંતાનોનું મિલન થાય. અમિતાભ બચ્ચનથી માંડી ઘણા અભિનેતાએ આવી એકાદ ફિલ્મ તો કરી જ હશે. જો તમને પારિવારિક મૂલ્યો, ઈમોશનલ ડાયલૉગ્સ અને લવ ટ્રાયેંગલ જેવા વિષય ગમતા હોય તો તમારી માટે એક ફિલ્મ છે. આ ફિલ્મ છે Mufasa The Lion King. હા જંગલના રાજાની આ ફિલ્મમાં આ બધા જ ઈમોશન છે. આ સાથે સુપર ટેકનોલોજીનો સમન્વય.
1994માં આવેલી મ્યુઝિકલ ડ્રામા ધ લાયન કિંગ બારે લોકપ્રિય થઈ હતી. 2019 માં તેનું રીબૂટ વર્ઝન ભારતમાં આવ્યું. હવે આ ક્લાસિક ફિલ્મ ‘મુફાસાઃ ધ લાયન કિંગ’ની પ્રિક્વલ આવી રહી છે.
આ બન્ને ફિલ્મોમાં અભિનેતા શાહરૂખ ખાને પોતાનો અવાજ આપ્યો છે અને તે ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.
કેવી છે વાર્તા
અગાઉ કહ્યું તેમ ફિલ્મની વાર્તા મનમોહન દેસાઈની ફિલ્મો જેવી ઈમોશનલ ડ્રામા છે. આ ફિલ્મમાં મા-બાપથી છુટા પડતા બાળકો, લવ ટ્રાયેંગલ બધુ જ છે. બૈરી જેન્કિન્સે જંગલની આ દુનિયાને પારિવારક મૂલ્યો અને માનવીય સંબંધોના તાણાવાણામાં જોડી છે.
ડિરેક્શન, મ્યુઝિક
બૈરી જેન્કિન્સની આ ફિલ્મ એક વિઝ્યુઅલ ટ્રીટ જેવી છે. જંગલનું જે વાતાવરણ તેમણે સ્ક્રીન પર ઊભું કર્યુ છે તે જોવાની મજા પડી જશે. માત્ર બાળકો જ નહીં પુખ્તવયનાઓ પણ આની મજા માણી શકશે. આ પ્રકારની એનિમેટેડ ફિલ્મમાં જે ખાસિયતો જોઈએ તે તમામ આ ફિલ્મમાં છે. આ ફિલ્મને ચાર ચાંદ લગાવે છે શાહરૂખ ખાનનો અવાજ. ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે દીકરા આર્યન અને અબ્રાહમનો પણ અવાજ છે, પરંતુ કિંગ ખાન જેટલો પ્રભાવશાળી કોઈ લાગતું નથી. આ સાથે સંજય મિશ્રા અને મકરંદ દેશપાંડેએ પણ સારું કામ કર્યુ છે.
જકે મ્યુઝિકલ ડ્રામા હોવા છતાં ફિલ્મ સંગીતમાં ઊણી ઉતરે છે, જે તેનું ખોટું પાસું છે. ફિલ્મના ગીતો કે સંગીત તમને અપીલ કરતું નથી કે ઈમોશનલી સ્પર્શ કરતું નથી. એક તો ફિલ્મની વાર્તામાં નવીનતાનો અભાવ અને બીજું સંગીત તમને થોડા બોર કરી શકે તેમ છે.
ફિલ્મ નોસ્ટેલ્જિયામાં જીવનારા, ફેમિલી ડ્રામાને પસંદ કરનારા લોકોને ગમે તેવી છે.
મુંબઈ સમાચાર રેટિગ્સઃ 3