ભાગવત ચેપ્ટર-1 રાક્ષસઃ શરૂઆત દમદાર, પણ ફિલ્મ આગળ વધતા દમ નીકળી ગયો | મુંબઈ સમાચાર
મનોરંજન

ભાગવત ચેપ્ટર-1 રાક્ષસઃ શરૂઆત દમદાર, પણ ફિલ્મ આગળ વધતા દમ નીકળી ગયો

અરશદ વારસી અને જિતેન્દ્ર કુમારના અલગ જ કૉમ્બિનેશનવાળી ફિલ્મ ભાગવત ચેપ્ટર-1 રાક્ષસ ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહી છે. દિવાળીની રજાઓ સમયે જો તમે આ સિરિઝ જોવાનો પ્લાન કરી રહ્યા હોય તો પહેલા તેનો રિવ્યુ વાંચી લો.

શું છે ફિલ્મની વાર્તા

ફિલ્મ ઉત્તર ભારતમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે. એક નાનકડા ગામની એક પછી એક છોકરી ગાયબ થઈ જાય છે. આ અજીબ કેસ વિશ્વાસ ભાગવત (અરશદ વારસી) પોતાના હાથમાં લે છે. અરશદ પોતાની જ જિંદગીથી પરેશાન છે. એક અત્યંત ક્રોધિત પોલીસ અધિકારી તરીકે તે આ કેસ હાથમાં લે છે. આ કેસ તે સોલ્વ કરે છે કે નહીં અને કરી શકે છે કે નહીં તે જોવા માટે તમારે ઝી5ની આ ફિલ્મ જોવી પડશે.


ફિલ્મનો ફર્સ્ટ હાફ એકદમ ટાઈટ છે. ડિરેક્ટર કબીર કૌશિકે ફિલ્મને ખૂબ જ સટીક રાખી છે. શરૂઆતની એકાદ કલાક તો તમને જબરી જકડી રાખશે. ફિલ્મમાં કોઈ ખોટો ડ્રામા, શોરબકોર નથી. ગામની નાનકડી દુનિયા અને તેમાં થતો આ અપરાધ અને એક પોલીસ અધિકારીની તેને ડામવાની વાર્તા સરસ રીતે શરૂ થઈ છે. ફિલ્મ ઘણે અંશે ઉત્કૃષ્ટ કોટીમાં આવે તેવી કહી શકાય, પરંતુ બે વાતે માર ખાઈ ગઈ છે. એક તો ક્લાઈમેક્સ એકદમ ધીમો અને અનપેક્ષિત છે. કેસને અનુરૂપ ટક્કરને બદલે કોર્ટરૂમ ડ્રામા બતાવાઈ છે, જેથી વાર્તા ક્યાંક છૂટી ગઈ હોય તેમ લાગે છે.

બીજી ભૂલ રાક્ષસના પાત્રને લખવામાં જણાય છે. ગુનાખોરીની દુનિયામાં ચકલું પણ જો મારવામાં આવે તો તેની પાછળ કારણ હોય છે. અહીં રાક્ષસ છોકરીઓના અપહરણ કરવાનો ગુનો કરે છે, પરંતુ તેની પાછળનું કારણ, તેનો કોઈ અતીત બતાવાયો નથી, આથી ક્રાઈમ સાથેનું કનેક્શન મિસિંગ છે.

કેવી છે એક્ટિંગ

અરશદ વારસી પહેલા વાત કરીએ જિતેન્દ્રકુમારની. પંચાયતની ત્રણની સિરિઝમાં ગામના સચિવ અભિષેકનું પાત્ર ભજવનાર જિતેન્દ્રકુમાર આ ફિલ્મનો વિલન છે. રાક્ષસનું પાત્ર તેને આપવામાં આવ્યું છે. કાસ્ટિંગ ડિરેક્ટરે અને ફિલ્મની ટીમે આ મોટું જોખમ લીધું છે, પણ જિતેન્દ્ર કુમારે તેમને ક્યાંય ખોટા સાબિત થવા દીધા નથી. આ રાક્ષસની ચુપકીદી, અંદરનું રાક્ષસીપણું બતાવવામાં જિતેન્દ્ર એકદમ ખરો ઉતર્યો છે.

તો તેજતર્રાર ઈન્સ્પેક્ટર તરીકે અરશદ વારસી એકદમ પ્રભાવશાળી છે. પોતાની અંદરનો જંગ, સિસ્ટમ સામેની લડાઈ અને ક્રાઈમને સોલ્વ કરવાની તેની તડપ જોઈ કોઈ ખૂબ જ ઈમાનદાર પોલીસ અધિકારીની છાપ તમારા મનમાં છોડી જાય છે. આયેશા કુસકરે પણ ફરી સાબિત કર્યું છે કે તે સારી કલાકાર છે. અકંદરે તમામ પાત્રોએ ફિલ્મની ઘણી નબળાઈને છુપાવી દીધી છે.

આમ તો દિવાળીનો તહેવાર ઘરે બેસીને મોબાઈલ જોવાનો નથી. પરિવાર સાથે મોજ માણવાનો અને હળવામળવાનો છે, પરંતુ જો કોઈ કારણસર તમને ફાજલ સમય મળે તો આ ફિલ્મ એકવાર જોવી તમને ચોક્કસ ગમશે.

મુંબઈ સમાચાર રેટિંગ્સઃ 3.5/5

આ પણ વાંચો…કાંતારા ચેપ્ટર 1ની બોક્સ ઓફિસ પર ઘૂમ, સાઉથની સુપર હિટ ફિલ્મોને પણ છોડી પાછળ…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button