ખેલ ખેલ મેંઃ અક્ષય કુમારની આ ફિલ્મ દર્શકોને હસાવશે અને અક્ષયની હાલકડોલક નૈયા પણ પાર લગાવશે
એક સારી ફિલ્મને તરસી ગયેલા દર્શકો માટે આજે ત્રણ ત્રણ ફિલ્મોની વણઝાર છે જ્યારે ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પણ એક હીટને તરસી રહ્યો હતો, પણ આખરે સ્વતંત્રતા દિવસે તેની આ ઈચ્છા પુરી થઈ ગઈ છે. આ સાથે અક્ષયના ચાહકો પણ ખુશ થશે. જાણો અક્ષય એન્ડ ટીમની ફિલ્મ ખેલ ખેલ મેં કેવી છે.
ફિલ્મની કથા સુપર ઈન્ટરેસ્ટિંગ, રિલેવન્ટ
મોટા ભાગની બિગ સ્ટારર ફિલ્મ કથામાં માર ખાઈ જાય છે. આ ફિલ્મે ફરી સાબિત કરી દીધું છે કે ફિલ્મનો હીરો ફિલ્મની સ્ટોરી છે. આખું જગત મોબાઈલમય બન્યુ છે ત્યારે ફિલ્મમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગની થીમ ખૂબ જ સરસ રીતે વણી છે અને આ સાથે પતિ-પત્નીના સંબંધો અને માનવીય સંબંધોને પણ અલગ રીતે દર્શાવાયા છે અને એક સારો મેસેજ પણ આપ્યો છે.
ફિલ્મની સ્ટોરી એક લગ્ન સમારંભથી શરૂ થાય છે. જ્યાં ત્રણ કપલ મળે છે જે એકબીજાના મિત્રો પણ છે. ત્રણેય કપલની પોતાની પણ એક સ્ટોરી છે. રાત્રે સમય કઈ રીતે પસાર કરવો તે સવાલના જવાબમાં એક ખેલ ખેલાઈ છે, જે આજના મોટાભાગના કપલ માટે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. આ ખેલ તેમની પર્સનલ લાઈફને એકબીજા સામે મૂકી દે છે અને પછી જે ખરાખરીને ખેલ શરૂ થાય છે તે દર્શકોને રોલર કોસ્ટરની જેમ આમતેમ ફેરવે છે, હસાવે છે અને મોજ કરાવે છે.
આ પણ વાંચો :Stree 2 Gujarati Review: રાજકુમાર અને શ્રદ્ધાની ફિલ્મ ફૂલ ટુ ધમાલ, પૈસા વસૂલ
કેવો છે અભિનય, ડિરેક્શન, મ્યુઝિક
ફિલ્મમાં સ્ટાર્સનો કાફલો છે. અક્ષય કુમાર, વાણી કપૂર, તાપસી પન્નુ, ફરદીન ખાન, આદિત્ય સિલ, પ્રજ્ઞા જયસ્વાલ, એમી વિર્ક છે. અક્ષય કુમાર લીડ કરે છે અને છવાઈ ગયો છે. અક્કી આ પ્રકારના રોલમાં દર્શકોને ગમે છે. બાકીના તમામ કલાકારોએ પોતપોતાના સર્કલમાં સારો સ્કોર કર્યો છે, પણ તાપસી અને ફરદીન અલગ તરી આવે છે. હીરામંડી બાદ ફરદીનની આ ફિલ્મ તેની માટે વેલ-કમબેક સાબિત થઈ શકે તેમ છે. ડિરેક્શનમાં મુદ્દસર અઝીઝે બાજી મારી છે. ફિલ્મ ક્યાંય નબળી નથી પડતી. સારો મેસેજ નવી રીતે આપ્યો છે. ફિલ્મનું મ્યુઝિક ઠીકઠાક છે. વાસ્તવમાં અમુક જગ્યાએ ગીત મૂક્યા છે તે કનડી રહ્યા છે. પડદે મે રહેને દો…ટ્રેક સિવાય ફિલ્મને ગીતની જરૂર જ નથી. લગભગ બહુ ઓછી ફિલ્મોમાંની એક છે જેમાં સંગીત ફિલ્મને નબળી પાડી રહી છે. ઑવરઑલ ફિલ્મ પરિવાર સાથે પણ જોવી ગમે તેવી છે. આજના કપલને ખાસ ગમશે.
મુંબઈ સમાચાર રેટિંગ- 4