મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, PM મોદીએ આપ્યા અભિનંદન

ભારતીય સિનેમાના મોટા પડદા પર પોતાની આગવી ઓળખ ઊભી કરનાર મોહનલાલે ફરી એક વખત પોતાના દેશમાં માથુ ગૌરવ વધાર્યું છે. ભારત સરકારે 2023ના દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે દક્ષિણ ભારતના આ પ્રખ્યાત અભિનેતાના નામની જાહેરાત કરી છે. આ સમાચારથી મોહનલાલના ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન ગણાતો આ એવોર્ડ મોહનલાલની દાયકાઓ સુધીની અભિનય યાત્રાને સલામ કરે છે.
દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત
દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણ પર મોહનલાલને આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને 23 સપ્ટેમ્બર, 2025ના રોજ 71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં એનાયત કરવામાં આવશે. મલયાલમ સિનેમાના આ દિગ્ગજ કલાકારે પોતાના શાનદાર અભિનયથી દેશભરના દર્શકોના દિલ જીત્યા છે, અને આ એવોર્ડ તેમની સિનેમામાં અપૂર્વ યોગદાનની સાક્ષી આપે છે.
રાજકીય નેતાઓની શુભેચ્છાઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા મોહનલાલને શુભકામનાઓ પાઠવી છે. તેમણે જણાવ્યું કે મોહનલાલ મલયાલમ સિનેમા અને રંગભૂમિના સ્ટાર છે, જેણે કેરળની સંસ્કૃતિને પોતાના કામ દ્વારા વૈશ્વિક સ્તરે રજૂ કરી છે. તેણે તેલુગુ, તમિલ, કન્નડ અને હિન્દી ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ સ્કિલ્સનો પરચો આપ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મોહનલાલને અભિનંદન પાઠવતા લખ્યું કે તેની કલાએ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે અને તેમની વિરાસત ભારતની સર્જનાત્મક ભાવનાને પ્રેરણા આપશે.
આ પણ વાંચો : IFFM 2025 માં અભિષેક બચ્ચને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, બીગબીએ પુત્ર અભિષેક માટે કરી પ્રેમભરી પોસ્ટ, જાણો શું લખ્યું
મોહનલાલનું ફિલ્મી કરિયર
મોહનલાલનું ફિલ્મી કરિયર લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેણે 400થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે, જેમાં મલયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મોનો સમાવેશ થાય છે. અભિનય ઉપરાંત તેમણે નિર્દેશન અને નિર્માણમાં પણ પોતાની અનોખી છાપ ઉભી કરી છે. મોહનલાલને 5 રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સ અને 9 કેરળ રાજ્ય ફિલ્મ એવોર્ડ્સ મળ્યા છે. આ ઉપરાંત, ભારત સરકારે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજ્યા છે.