‘OMG-2’ની સફળતા બાદ અપેક્ષા તો એવી હતી કે ‘મિશન રાનીગંજ’માં અક્ષયકુમારને જોવા માટે લોકો તલપાપડ હશે, જો કે અભિનેતાની ફિલ્મને ધાર્યા મુજબનો રિસ્પોન્સ મળી રહ્યો નથી. આજે દેશભરના સિનેમાઘરોમાં ‘મિશન રાનીગંજ’ રિલીઝ થઇ છે. જો કે પહેલા દિવસે થિયેટરોમાં દર્શકોની પાંખી હાજરી જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મને કમાણી ઉભી કરવામાં ઘણો સમય લાગશે.
સત્ય ઘટનાઓ પર આધારિત અક્ષયકુમારની ફિલ્મોને હંમેશાથી સારો બિઝનેસ મળતો રહ્યો છે. ‘મિશન રાનીગંજ’ની વાર્તા માઇનિંગ એન્જિનીયર જસવંતસિંહ ગીલ પર આધારિત છે. જેમણે કોલસાની ખાણમાં ફસાયેલા 65 શ્રમિકોનો જીવ બચાવ્યો હતો. અક્ષયકુમાર જસવંતસિંહ ગીલનું જ પાત્ર ભજવી રહ્યો છે. અક્ષયના સ્ટારડમના હિસાબે આ ફિલ્મ માટે જેવો માહોલ ઉભો થવો જોઇતો હતો તેવો થઇ શક્યો નથી. ફિલ્મના માર્કેટિંગમાં ક્યાંક કોઇ ઉણપ રહી ગઇ હોય તેમ એડવાન્સ કલેક્શનમાં પણ આ ફિલ્મ માંડ માંડ 1 કરોડની કમાણી સુધી પહોંચી છે.
ફિલ્મનું એડવાન્સ બુકિંગ આ અઠવાડિયાથી જ શરૂ થયું હતું. અહેવાલો કહી રહ્યા છે કે આખું અઠવાડિયું વીતી જવા છતાં પણ દેશભરમાંથી માંડ 7 હજાર ટિકિટો બુક થઇ હતી. આ આંકડો અક્ષયકુમાર અને ઇમરાન હાશ્મીની ‘સેલ્ફી’ કરતા પણ ઓછો છે. ‘સેલ્ફી’ ખૂબ ખરાબ રીતે બોક્સ ઓફિસ પર પીટાઇ હતી પરંતુ તેની એડવાન્સ ટિકીટો 16 હજાર જેટલી વેચાઇ હતી. ટ્રેડ પંડિતો જણાવી રહ્યા છે કે પહેલા દિવસે આ ફિલ્મ 3થી 4 કરોડ જેટલું કલેક્શન કરી શકે છે. ફિલ્મના રિવ્યુ સારા છે. માઉથ પબ્લિસીટીનો જો આ ફિલ્મને લાભ મળે તો હજુપણ કમાણી ઉચકાઇ શકે છે.
Taboola Feed